સુરત મહાનગર પાલિકાનું બજેટ 10 હજાર કરોડને પાર કરી ગયું છે. સુરતનો આ વિકાસ લોકો પાસે વસુલાતા વેરામાંથી થઈ રહ્યો છે. પરંતુ આજે જ્યારે સુરતીઓ પુરમાં સપડાયા છે ત્યારે આ લોકોની મદદ માટે સુરત પાલિકાએ ઢોર પકડવાના ટ્રેક્ટર મોકલ્યા હતા. લોકોને સોસાયટીમાંથી બહાર રસ્તા પર લઈ જવા માટે જે ટ્રેક્ટર મોકલ્યા હતા તે ઢોર પકડવાના ટ્રેક્ટર હતા તેથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. પુર અસરગ્રસ્ત વિસ્તારની આવી સ્થિતિ બાદ લોકોએ શાસકોને ચીમકી આપી કહ્યું છે. હવે તો સુધરો, હાલ તો એક ગોપાલ આવ્યો છે. આવી સ્થિતિ રહી તો આવા સાત-આઠ ગોપાલ બીજા આવી જશે તો તમને ભારે પડશે.
પાંચ ફૂટ પાણી ભરાયા
સુરત જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે આજે સુરતના ખાડી કિનારાના વિસ્તારમાં ખાડી પુર આવ્યા છે. લોકોના ઘર અને દુકાનોમાં પાણી ભરાયા હોવાથી લોકોને આવવા જવા માટે મુશ્કેલી પડી રહી છે. પુણા, ગોડાદરા, પરવટ ગામ, સરથાણા, વાલક, રઘુકુળ માર્કેટ વિસ્તાર, લિંબાયતના અનેક વિસ્તારોમાં ખાડીના પાણી ઘુસી ગયા છે. સંખ્યાબંધ સોસાયટીમાં ખાડીના પાણી ઘુસી જતા જનજીવન ખોરવાયું છે. આ વિસ્તારમાં ચારથી પાંચ ફૂટ જેટલા પાણીનો ભરાવો થયો છે.
ઢોર પકડવાના ટ્રેક્ટરનો ઉપયોગ કરાતાં લોકોમાં આક્રોશ
ગઈકાલે સુરતવાસીઓના માથે આકાશમાંથી આફત વરસી હતી તો આજે ખાડીના પાણીની આફત આવી છે. આવી સ્થિતિ છતાં નોકરી ધંધે જવા માટે બહાર નીકળવું જરૂરી હતું. તેથી પાલિકાએ આ લોકોને સોસાયટીની બહાર કે સોસાયટીમાં જવા માટે ટ્રેક્ટરની વ્યવસ્થા કરી હતી. જોકે, પાલિકાએ જે ટ્રેક્ટર મોકલ્યા છે તે ટ્રેક્ટરનો ઉપયોગ પાલિકા રખડતા ઢોરને પકડવા માટે કરી રહી છે. લોકોને ઢોરના ટ્રેકટરમાં લાવવા જઈ જવાની વ્યવસ્થા કરતા લોકો રોષે ભરાયા હતા.
ભાજપ સરકારની આકરી ટીકા
આવી સ્થિતિ બાદ લોકોનો ગુસ્સો સાતમા આસમાને છે. લોકો આક્રોશ સાથે ભાજપ શાસકો પર આકરા પ્રકાર કરી રહ્યાં છે. એક સ્થાનિકે જણાવ્યું હતું કે, 'હમ કો તો સુરત મહાનગર પાલિકા નગર સેવકોને લુંટા ગૈરો મેં કહા દમ થા. હમારી કસ્તી વહાં ડૂબી જહાં પાની કમ થા. આ કહેવત આજના સમયે એકદમ બંધ બેસતી થઈ ગઈ છે. સુરત પાલિકા અને નગર સેવકોની કટકીનું સાક્ષી સુરતમાં આવેલા ખાડીપૂર બન્યું છે. છ વર્ષથી માત્ર વચનો આપવામાં આવી રહ્યાં છે આ પહેલા જાપાની કંપની પાસે સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દર વખતે નવા વચનો આપવામાં આવ્યા છે. અત્યારસુધીમાં ખાડી સફાઇ, પમ્પીંગ સ્ટેશન સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન સફાઈ કરવાના નામે પૈસા ખાઈ ગયા છે તેના કારણે આવી ગંભીર હાલત થઈ રહી છે. હજી પણ શાસકો અને પાલિકા જાગે અને લોકો માટેની કામગીરી કરે તે જરૂરી છે.' રહેવાસીઓએ ચીમકી આપતા કહ્યું છે કે, હજી તો એક ગોપાલ આવ્યો છે આવા સાત આઠ ગોપાલ બીજા આવી જશે તો તમને ભારે પડશે. લોકોએ આક્રોશપૂર્ણ રીતે પાલિકા અને ભાજપ શાસકોની કામગીરીને આડે હાથ લીધી હતી અને આવી સ્થિતિ ફરીથી ન ઉદ્ભવે તેવી કામગીરી કરવા માટે અપીલ કરી હતી.