
સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ફરી એકવાર છબરડો સામે આવ્યો છે.BCAની પરીક્ષામાં થયેલી ભૂલના કારણે વાપી સ્થિત રોફેલ કોલેજના બે વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનું જ ભૂલી જતા, આખરે એક વર્ષ પછી પરીક્ષા આપવાનો આદેશ આપ્યો છે. એપ્રિલ 2024માં BCAના પ્રથમ સેમેસ્ટર હેઠળ ‘એટીકેટી’ વિષયની લેખિત પરીક્ષા આપી હતી. ત્યારબાદ યુનિવર્સિટી તરફથી તેઓને પાસ હોવાનું દર્શાવતી માર્કશીટ મળી ગઈ હતી. જોકે, થોડા સમય બાદ જ્યારે આ બંને વિદ્યાર્થીઓએ પાંચમાં અને છઠ્ઠા સેમેસ્ટર માટે હોલ ટિકિટ મેળવવા પ્રયત્ન કર્યો ત્યારે તેમાં “નાપાસ” દર્શાવાયું, જેને કારણે સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
હોલ ટિકિટમાં નાપાસ લખેલું આવ્યું
BCAના પ્રથમ સેમેસ્ટરના “એટીકેટી” વિષયમાં બંને વિદ્યાર્થીઓએ એપ્રિલ 2024માં લેખિત પરીક્ષા આપી હતી. થોડા સમય પછી યુનિવર્સિટીએ તેમને પાસ હોવા વિશેની માર્કશીટ મોકલી હતી. જે જોઈને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ખુશી વ્યક્ત કરી હતી. પરંતુ, જ્યારે બંને વિદ્યાર્થીઓ પાંચમાં અને છઠ્ઠા સેમેસ્ટર માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા ગયા, ત્યારે તેમાં “નાપાસ” લખેલું જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તરત જ કોલેજ અને યુનિવર્સિટીમાં પૂછપરછ શરૂ કરી તો આશ્ચર્યજનક રીતે સામે આવ્યું કે વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાઇ જ ન હતી.
ટેક્નિકલ ભૂલથી માર્કશીટ અપાઈ
વિદ્યાર્થીઓના કહેવા મુજબ, “અમને કોઈ જાહેરાત, કોઈ જાણકારી કે કોઈ કોલેજ તરફથી સૂચના પણ નહોતી મળી કે એપ્રિલ 2024માં આપેલી પરીક્ષા અધૂરી હતી. હવે આખા એક વર્ષ બાદ અમને ફોન કરીને કહે છે કે તમારું રિઝલ્ટ નાપાસ છે. કોલેજમાં જઈને માર્કશીટ લઈ જાઓ. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. રમેશ ગઢવીએ સમગ્ર મામલે નિવેદન આપતાં કહ્યું કે, વિદ્યાર્થીઓએ જૂની પેટર્ન પ્રમાણે પરીક્ષા આપવી હતી, પરંતુ તેમની પરીક્ષા નવી પેટર્ન મુજબ લેવામાં આવી. પરિણામે ટેક્નિકલ ભૂલના કારણે માર્કશીટ આપવામાં આવી હતી. હવે રિઝલ્ટ રદ્દ કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ ફરીથી લેવામાં આવશે.