સુરત મહાનગરપાલિકાના એક વિવાદી પદાધિકારી અને સ્થાનિક કોર્પોરટેરના ભરોસે સુરત હજીરા રોડ પર ગેરકાયદે સર્કલ બનાવનારી સંસ્થા બરોબરની ભેરવાઈ છે. મેયરની સૂચના બાદ પાલિકાના કડક વલણના કારણે રાત્રિના અંધારામાં આખું સર્કલ સંસ્થાને દૂર કરવાની ફરજ પડી છે. આ સર્કલ દૂર કરાયા બાદ પાલિકાના પદાધિકારીના નામે વધુ એક વિવાદ જોડાઈ ગયો છે.
સંસ્થાએ બનાવ્યું હતુ સર્કલ
સુરત-હજીરા રોડ પર પાલ હવેલી પાસે પાલિકાની કોઈ પણ જાતની મંજૂરી વિના યશ્વી ફાઉન્ડેશન દ્વારા ગેરકાયદે સર્કલ બનાવી દેવાયું હતું. આ પહેલાં દિવાળી અને નાતાલમાં પણ કોઈ પણ જાતની મંજૂરી વિના જ સર્કલ પર રોશની કરવા સાથે સંસ્થાની જાહેરાત કરવામાં આવી હતી. કોઈ પણ જાતની મંજૂરી વિના સર્કલ બનાવવાની હિંમત સંસ્થાને પાલિકાના એક વિવાદી પદાધિકારી અને સ્થાનિક કોર્પોરેટરના સપોર્ટના કારણે આવી હતી.
ઝોનલ ઓફિસર રજા પર ઉતર્યા
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આ સંસ્થાએ પાલ હજીરા રોડ પર ઓપરેશન સિંદૂરની થિમ પર બનાવેલું સર્કલ ટ્રાફિક માટે અડચણરૂપ હતું. શાસક પક્ષના એક પદાધિકારી અને સ્થાનિક કોર્પોરેટરના દમ પર બનાવી દેવાયું હતું. જોકે, સાંસદે સર્કલ માટે પત્ર લખતાં આ સર્કલ ગેરકાયદે હોવાનું બહાર આવ્યું હતું. મેયરની સૂચના બાદ પાલિકા તંત્રએ નોટિસ આપી હતી પરંતુ વિવાદી પદાધિકારીના દબાણના કારણે ઝોનલ ઑફિસર રજા પર ઉતરી ગયા હતા.
પદાધિકારીના ધમપછાડા
જોકે, પાલિકાએ આ સર્કલ દૂર ન થાય તો ડિમોલિશન કરવાની ચીમકી આપી હતી. તેમ છતાં આ સર્કલ બચાવવા માટે શાસક પક્ષના પદાધિકારી ભારે ધમપછાડા કર્યા હતા. પરંતુ પાલિકાએ કડકાઈ દાખવતાં પદાધિકારી અને કોર્પોરેટરની છત્રછાયામાં સર્કલ બનાવનાર એજન્સીએ રાત્રિના અંધકારમાં સર્કલ દૂર કરી દીધું હતું. આમ વિવાદી પદાધિકારીના ભરોસે ગેરકાયદે સર્કલ બનાવનાર એજન્સી હવે ભરપેટ પસ્તાઈ રહી છે.