સુરતની નવી સિવિલ હોસ્પિટલ જ બીમાર હોય તેવી સ્થિતિ સામે એવી છે. છેલ્લા 15થી વધુ દિવસથી ડાયાલિસિસ મશીનોની ધીમી ગતિ અને સ્ટાફની તીવ્ર અછતને કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને અસહ્ય હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ મેડિકલ વેસ્ટ પણ રોમાં સેન્ટર બહાર ફેકવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિ દર્દીઓના સ્વાસ્થ્ય માટે જોખમી બની રહી છે અને હોસ્પિટલની વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કરી રહી છે. ડાયાલિસિસ જેવી જીવનરક્ષક સેવાઓની જરૂરિયાત ધરાવતા દર્દીઓની સંખ્યા નોંધપાત્ર છે. જોકે, છેલ્લા 15 થી વધુ દિવસથી પાંચ ડાયાલિસિસ મશીનો બંધ છે. જ્યારે અન્ય ડાયાલિસિસ મશીનો ધીમી ગતિએ ચાલી રહ્યા છે, જેના કારણે દર્દીઓને સમયસર સારવાર મળવામાં વિલંબ થઈ રહ્યો છે. આ મશીનોની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી હોવા છતાં, તેના નિરાકરણ માટે નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા નથી.