
સુરતના અમરોલી વિસ્તારમાં છાપરાભાઠા રોડ પર આવેલી એક જૂની સોસાયટી આજકાલ ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે. અહીં આવેલું અંદાજિત 35 વર્ષ જૂનું મકાન સમૂહ આજે અત્યંત જર્જરિત અને જીવલેણ સ્થિતિમાં છે. મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ મકાનોને ખાલી કરાવવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. અત્યારસુધીમાં પાલિકાએ કુલ 19 નોટિસો આપી છે, તેમ છતાં હજી પણ લગભગ 50 ટકા જેટલા મકાનોમાં રહીશો વસવાટ કરે છે.
અડધી બિલ્ડિંગ ખાલી, અડધા ઘરોમાં રહે છે લોકો
સોસાયટીના કેટલાક રહીશોએ બિલ્ડિંગની હાલત જોઈને મકાન ખાલી કરી દીધાં છે, પણ ઘણા રહીશો આજેય મકાન ખાલી કરવાનું નકારે છે. તેમને એવું માનવું છે કે તેઓ પોતાનાં ઘરનું રીનોવેશન કરીને ફરીથી ત્યાં રહેવા માંગે છે. અહિંની 8 જેટલી બિલ્ડિંગો એવી હાલતમાં છે કે તેને ટેકા મૂકી ઊભી રાખવામાં આવી છે. દિવાલો તૂટી રહી છે, છતમાંથી પલાસ્તર છૂટી રહ્યું છે અને મકાનની અંદર રહેવું અત્યંત જોખમી છે.
આંતરિક વિવાદો મોટી સમસ્યા
આ સોસાયટીમાં રહેલા રહીશો વચ્ચે આંતરિક વિવાદો અને વ્યવસ્થાપનનો અભાવ હોવાથી મકાન ખાલી કરાવવા વધુ અડચણો સર્જાઈ રહી છે. એ કારણે ઘણા રહીશો પોતાનું મકાન ખાલી કરવાની તૈયારી નથી બતાવતાં. જયેશ ઓજા (મકાન ખાલી કરનાર)એ કહ્યું કે, "હું મકાનની હાલત જોઈને ચાલ્યો ગયો. જીવથી મોટું કંઈ નથી. આ કારણે મેં મારું મકાન ખાલી કરી દીધું છે. દિનેશભાઈ (મકાન ખાલી ન કરનાર)એ કહ્યું કે, "હું મકાન ખાલી નહીં કરું. અમે અહીં વર્ષોથી રહીએ છીએ. થોડી રીપેરીંગ કરાવી ને પાછા રહીશું.