
સુરતમાં ખાડી પૂરના કારણે દર વર્ષે લાખો લોકો અસરગ્રસ્ત થાય છે અને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. આ વર્ષે પણ સુરતમાં ખાડી પૂર આવ્યા બાદ લોકોમાં રાજકારણીઓ સામે ભારે રોષ ફેલાઈ રહ્યો છે. સુરતમાં ખાડી પૂરમાં લોકો પ્રભાવિત છે. પરંતુ રાજકારણીઓ રાજકારણ રમીને બખેડો કરી રહ્યાં છે. તેથી લોકોનો રોષ રાજકારણીઓ સામે વધી રહ્યો છે. અસરગ્રસ્ત લોકોમાં રોષ એટલી હદે વધ્યો છે કે ખાડી પૂરની સમસ્યા દુર ન થાય ત્યાં સુધી પ્રવેશ કરવો નહી. આ વર્ષે પણ ખાડી પૂરની સમસ્યા આગામી પાલિકાની ચૂંટણીમાં વિષય બને તેવી શક્યતા નકારી શકાતી નથી.
રાજકારણીઓ પ્રત્યે તિરસ્કાર
સુરતની નબળી નેતાગીરી અને પાલિકા- કલેક્ટર અને સિંચાઈ વિભાગની નબળી કામગીરીના કારણે ફરી એક વખત સુરત ખાડી પૂરમા ડૂબી ગયું છે. સુરતમાં ખાડી પૂરને પાંચમો દિવસ છે. તેમ છતાં પણ કેટલાક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. ખાડી પૂરના કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે. તો બીજી તરફ અસરગ્રસ્તોની મદદ કરવાના બદલે રાજકારણીઓ જાહેરમાં બાખડી તમાશો કરી રહ્યાં છે. જેના કારણે લોકોમાં રાજકારણીઓ પ્રત્યે તિરસ્કાર થઈ રહ્યો છે.
લોકો ત્રાહિમામ
સુરતના ખાડી કિનારાના વિસ્તારમાં પાંચમા દિવસે પાણીનો ભરાવો થયો છે. લોકો ત્રાહિમામ થઈ રહ્યાં છે. રાજકારણીઓ મદદના નામે દેખાડો કરી રહ્યાં છે. આવા સમયે લોકો રાજકારણીઓ સામે ગુસ્સો વ્યક્ત કરી રહ્યાં છે. પર્વત ગામની એક સોસાયટીમાં બોર્ડ લાગી ગયાં છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી ખાડી પૂરનો નિકાલ ન આવે ત્યાં સુધી કોઈ પણ પક્ષ વાળા એ આ લાઈનમાં વોટ માંગવા આવવું નહી. જોકે, આ તો હજી એક સોસાયટીમાં બોર્ડ લાગ્યા છે. પરંતુ જે રીતે લોકો વરસાદી પાણીના નિકાલ સાથે ખાડી પૂરના પાણી ભરાયા છે. રાજકારણીઓ મદદ કરવાના બદલે તમાશા કરી રહ્યાં છે. તે જોતા આગામી દિવસોમાં અનેક સોસાયટીમાં પણ આવા બોર્ડ લાગી શકે છે. આ ઉપરાંત આગામી પાલિકાની ચૂંટણીમાં પણ ખાડી પૂરનો મુદ્દો રાજકીય પક્ષો માટે જોખમી બની રહ્યો છે.