સુરતમાં ભારે વરસાદથી અનેક વિસ્તારમાં છેલ્લાં ત્રણ દિવસથી પાણી ભરાયેલા છે, તેનો હજુ નિકાલ થયો નથી. ત્રણ દિવસ બાદ પણ લોકો ઘરોમાં કેદ રહેવા મજબૂર થયા છે, ત્યારે આજે ગુરુવારે તા. 26 જૂનના રોજ એક ગર્ભવતી મહિલાને ખાડી પૂરમાંથી બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવા બોટની મદદ લેવી પડી હતી, જે દર્શાવે છે કે પાલિકાનું તંત્ર સાવ નિષ્ફળ રહ્યું છે.
પૂરનો સકંજો
ગયા મંગળવારથી અડધું શહેર ખાડી પૂરના સકંજામાં ફસાયેલું છે. આજે તા. 26 જૂને ગીતાનગર વિસ્તારમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયેલા છે. અહીં એક 8 મહિનાની ગર્ભવતી મહિલાની આજે સવારે અચાનક તબિયત બગડી હતી, તેણીને પ્રસુતિની પીડા શરૂ થઈ હતી. તેણીના ઘરની બહાર ત્રણથી ચાર ફૂટ પાણી હોય તેને હોસ્પિટલ સુધી કેમ લઈ જવી તે પ્રશ્ન ઉભો થયો હતો. આ મામલે તંત્રને જાણ કરાતા ફાયરની ટીમ મદદે દોડી હતી. ફાયરના જવાનોએ બોટમાં ગર્ભવતિ મહિલા ગૌરીબેન શર્માનું રેસ્ક્યુ કરી હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
અસરગ્રસ્તોની મદદ
સ્થાનિકોએ કહ્યું કે, ફાયર અને પોલીસની ત્રણ છેલ્લાં ચાર દિવસથી સતત અસરગ્રસ્તોની મદદ કરી રહી છે, પરંતુ પાલિકાનું તંત્ર ગાયબ છે. ત્રણ ત્રણ દિવસથી પાણી ભરાયેલા હોય તેના નિકાલ માટે પાલિકા તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં આવી રહી નથી, તેના લીધે લોકો હેરાન થાય છે. વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે.
શું થયું હતું?
ગીતાનગરમાં રહેતા સંદીપ શર્માના પત્ની ગૌરીબેન આઠ માસના ગર્ભવતી છે. તેમનું ઘર પૂરના પાણીથી ઘેરાયેલું હતું. દરમિયચાન અચાનક આજે સવારે ગૌરીબેનને પીડા શરૂ થઈ હતી. પીડા સહન ન થતા તેણીની તબિયત બગડી હતી, તેથી પરિવાર ચિંતામાં મુકાયો હતો. તાત્કાલિક જ પરિવાર દ્વારા સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તરત જ દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનો બોટ લઈને સંદીપભાઈના ઘરે પહોંચ્યા હતા. ત્રણથી ચાર ફૂટ ઊંડા પાણીમાં બોટ મારફતે પહોંચીને જવાનોએ અત્યંત સાવચેતીપૂર્વક ગૌરીબેનને બોટમાં બેસાડ્યા હતા.
હોસ્પિટલ પહોંચાડાયા
પાણીની ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ ફાયર વિભાગની ટીમે પોતાની ફરજ બજાવીને ગૌરીબેનને સુરક્ષિત રીતે પર્વત પાટિયાની શ્રીજી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. હોસ્પિટલમાં તબીબો દ્વારા ગૌરીબેનની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. ડોક્ટરોએ જણાવ્યું છે કે હાલ ગૌરીબેનની સ્થિતિ સામાન્ય છે. મહિલાના પતિ સંદીપભાઈ કે જેઓ ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરે છે, તેમણે આ મુશ્કેલ ઘડીમાં તંત્ર અને ખાસ કરીને ફાયર વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમને જણાવ્યું હતું કે હાલ તેમની પત્નીની તબિયત સારી છે.