
સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજો અને વિભાગોમાં ચાલતા અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ સેલ્ફ ફાઈનાન્સ કોર્સોની ફી વધારાઈ છે. નવા શૈક્ષણિક વર્ષ 2025-26થી 20 ટકા વધારવામાં આવી છે. ફીમાં થયેલા આ વધારાને લઈ વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે એબીવીપી દ્વારા આજે વિરોધ કરીને નારેબાજી કરવામાં આવી હતી. સાથે જ ફી વધારો પરત ન ખેંચાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
ઉગ્ર આંદોલનની જાહેરાત
વિદ્યાર્થીઓના મતે આ ફી વધારો અયોગ્ય છે અને આર્થિક બોજ ઊભો કરે છે. આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કુલપતિની ઓફિસ સામે સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. સાથે જ ફી વધારો પરત ન ખેંચાય તો યુનિવર્સિટી ખાતે ઉગ્ર આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે.
20 ટકા ફી વધારો
યુનિવર્સિટી દ્વારા સેલ્ફ ફાઈનાન્સ કોર્સ સિવાય પણ સ્ટુડન્ટ વેલ્ફેર એક્ટિવિટી ફી, પુસ્તકો અને ઇક્વિપમેન્ટ ફી, એમિનિટી ફી અને કેમ્પસ ડેવલપમેન્ટ ફંડ જેવી વિવિધ રકમોમાં પણ અગાઉથી 20 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. અગાઉ પ્રથમ સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓ પાસેથી રૂ.2,110 ફી વસૂલાતી હતી, જે હવે રૂ.245ના વધારા સાથે રૂ.2,355 થઈ ગઈ છે. બીજા સેમેસ્ટરની અન્ય ફી પણ રૂ.170થી વધી છે.ત્રણ વર્ષ અગાઉ યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં ફી વધારાની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે 10 ટકાથી વધુ ફી વધારો ન કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. તેમ છતાં હાલમાં 20 ટકા સુધીનો ઊંચો ફી વધારો અમલમાં મુકાયો છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને તેમનાં સંગઠનો આ નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.