
પહલગામમાં આતંકીઓ દ્વારા કાયરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં નિર્દોષના મોત થયા છે. જેથી સુરતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. હુમલામાં સુરતના યુવકનું મોત નીપજ્યું છે. જેથી સમગ્ર સુરતમાં લોકો અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કરી રહ્યાં છે. કોઈ મીણબતી સળગાવી રેલી યોજી રહ્યું છે તો કોઈ એકતા દર્શાવવા માટે શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.
ભાગળમાં પોલીસ સાથે ઘર્ષણ
કાશ્મીરના આતંકી હુમલાના વિરોધમાં ભાગળ પર વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં લોકો બેનરો સાથે ઉતર્યા હતા. તેમણે લખ્યું કે, ‘વિશ્વગુરુ નહીં ચાહીએ, દેશ કી ઈજ્જત વાપસ ચાહિયે’, જેને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. ક્રાઈમ બ્રાંચ પણ પહોંચી ગઈ હતી અને વિરોધ પ્રદર્શન અટકાવવાની ફરજ પડી હતી. આ સમયે શાબ્દિક ટપાટપી પણ થઈ હતી.
કોંગ્રેસની રેલી યોજાઈ
જમ્મુ કાશ્મીર માં આતંકવાદીઓ દ્વારા 26 નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવેલ છે. આ અમાનુષી કૃત્ય ના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૃત્યુ પામનાર લોકો માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલ છે. આ કેન્ડલ માર્ચ યાત્રા દિલ્હી ગેટથી શરૂ થઈને સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા સુરત રેલ્વે સ્ટેશન સુધી જશે.