
સુરત જિલ્લાના તરસાડી વિસ્તારમાંથી ભારે ચર્ચાનો વિષય બની ગયેલી ઘટનામાં, કોસંબા પોલીસે બુધવારના રોજ એક જુગારધામ પર દરોડા પાડતા નવો જુગારી ઝડપ્યા છે. આ દરોડા દરમિયાન સ્થાનિક ભાજપના હોદેદાર અને સહકારી બેંકના ડિરેક્ટર સહિતના લોકો જુગાર રમતા ઝડપાયા હોવાની વિગતો સામે આવી છે.
ક્યાં ચાલતું હતું જુગારધામ?
કોસંબા પોલીસે કુંવરદાથી કીમ જવાના માર્ગે આવેલ સિમેન્ટના ગોડાઉનમાં પતરા ના શેડ હેઠળ ચાલતું જુગારધામ બાતમીના આધારે ઝડપી પાડ્યું. છેલ્લા કેટલાંક સમયથી અહીં જુગાર ધામ ચાલતું હતું, જે પરિણામે આસપાસના વિસ્તારોમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓની શંકા જાગી હતી.
પકડાયેલા લોકોના નામ અને હોદ્દા
પોલીસે સ્થળ પરથી કુલ નવ જુગારીઓને રોકડ રૂપિયા 2.32 લાખ, 10 મોબાઈલ ફોન તથા અન્ય સામગ્રી મળીને 6 લાખ રૂપિયાથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે. સંજય પરમાર: તરસાડી નગર ભાજપ સંગઠનના ઉપપ્રમુખ, દિગ્વિજય અટોદરિયા: તરસાડી નગર શક્તિ કેન્દ્રના સંયોજક, મહેન્દ્ર રામાણી: ઘી કોસંબા મર્કનટાઇન કો.ઓપ. બેંકના ડિરેક્ટર છે.
ભાજપના નેતા પકડાતા ચકચાર
ભાજપના હોદેદારો અને બેંક ડિરેક્ટર જેવા જવાબદાર હોદ્દા ધરાવતા વ્યક્તિઓ જુગાર રમતા ઝડપાતા સ્થાનિક રાજકીય અને સામાજિક વલયો માં ચકચાર મચી ગઈ છે. સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાની ભારે ચર્ચા થઈ રહી છે. હાલ કોસંબા પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ શરૂ કરી છે.