
ચોમાસું શરૂ થવાને થોડીવાર છે. ત્યારે સુરત શહેરના વરાછા વિસ્તારમાં પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે ડ્રેનેજ લાઇન નાખવાના કામ બાદ રસ્તો યોગ્ય રીતે ન બનાવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે ટેમ્પો આઈસરનું ટાયર રસ્તામાં ઘસી ગયું હતું. જેથી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
વાહનચાલકોને મુશ્કેલી
હાલમાં રોડ બેસી જવાની ઘટના સામે આવતા એક ટ્રકનું ટાયર રસ્તામાં ધસી પડ્યું, જેના કારણે ટ્રક ફસાઈ ગયો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. રસ્તો પરથી પસાર થતા લોકો અને વાહનચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.સ્થાનિક લોકો કહે છે કે, આ પહેલો બનાવ નથી. અગાઉ પણ ટેમ્પો ટ્રાવેલર આ જ જગ્યાએ રસ્તો બેસી જવાથી ફસાઈ ગયું હતું.
સ્થાનિકો નારાજ
સુરત મહાનગરપાલિકા દ્વારા કામગીરી પછી યોગ્ય મટિરિયલથી રોડ બનાવી ન દેવાતા વારંવાર આવી સ્થિતિ સર્જાઈ રહી છે.સ્થાનિકો હવે પાલિકા અધિકારીઓની ઢીલી કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને યોગ્ય પગલાં ભરવાની માગણી કરી રહ્યા છે.