
હાલમાં ઉનાળાના વેકેશનના કારણે આજે એક જ દિવસમાં ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. મુસાફરોની ભીડ જોતા પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ ખાસ સહિત કુલ પાંચ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી ઉધના રેલવે સ્ટેશનથી લગભગ 17,000 મુસાફરોને વતન મોકલવાનો રેકોર્ડ બન્યો છે. ઉનાળાની રજાઓમાં સુરત અને ઉધના રેલવે સ્ટેશનો પર પોતાના વતન જતા મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ જામવા લાગી હતી. હાલના ટિકિટ બુકિંગ ઓફિસમાં ભીડને ધ્યાનમાં રાખીને ત્રણ વધારાની બારીઓ ખોલવામાં આવી હતી. આ ઉપરાંત હોલ્ડિંગ વિસ્તારમાં આવતા મુસાફરો માટે પાંચ બારીઓ પણ શરૂ કરવામાં આવી હતી.
ટ્રેનો પૂરી પાડવા પ્રયાસ
મુંબઈ વિભાગના વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ, ભીડ વ્યવસ્થાપન ટીમે ઉધના સ્ટેશન પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. સ્ટેશન પર આવતા મુસાફરોને ટિકિટ મેળવવાથી લઈને હોલ્ડિંગ એરિયામાં લઈ જવા સુધી મદદ કરવા માટે દરેક ખૂણે પોલીસ અને રેલવે સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો. ટિકિટ લઈને આવેલા તમામ મુસાફરોને ફૂટઓવરબ્રિજ દ્વારા પૂર્વ વિસ્તારમાં હોલ્ડિંગ એરિયામાં લાવવામાં આવ્યા હતા.ઉનાળાની વેકેશનની મોસમ ચાલી રહી હોવાથી, ત્રણ વધારાની ખાસ ટ્રેનો ચલાવવામાં આવી છે. આમાં બરૌની માટે એક ટ્રેન અને જયનગર માટે બે ટ્રેનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉધના-જયનગર અંત્યોદય એક્સપ્રેસ અને ઉધના-છાપરા તાપ્તીગંગા એક્સપ્રેસ દ્વારા પણ સાડા સાત હજાર મુસાફરોને વતનમાં મોકલવામાં આવ્યા હતા. પશ્ચિમ રેલવે દ્વારા ઉધનાથી વધુ ટ્રેનો પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
વધારાની ખાસ ટ્રેનો ચલાવાઈ
પશ્ચિમ રેલવેએ ઉધના-જયનગર અંત્યોદય એક્સપ્રેસ પહેલા અને પછી બે વધારાની ખાસ ટ્રેનો ચલાવ્યા પછી, નવી ઉધના-જયનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ દોડાવી, જેનાથી મુસાફરોને મોટી રાહત મળી હતી. ટ્રેન રવાના થયા પછી હોલ્ડિંગ એરિયામાં એક પણ મુસાફર બચ્યો ન હતો. આનાથી સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મુંબઈ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.