Home / Gujarat / Surat : Scam of making Aadhaar card using MLA's fake signature

સુરતમાં MLAના બોગસ સહી સિક્કાથી આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયુ, MBA કરેલો માસ્ટરમાઈન્ડ દબોચાયો

સુરતમાં MLAના બોગસ સહી સિક્કાથી આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયુ, MBA કરેલો માસ્ટરમાઈન્ડ દબોચાયો

સુરતમાં દબંગ ધારાસભ્ય તરીકે ઓળખાતા અને જનહિતમાં પોતાની જ સરકાર સામે લડી લેતા કુમાર કાનાણીના ખોટા સહી-સિક્કા બનાવી આધારકાર્ડ-પાનકાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં થયો છે. MBAનો વિદ્યાર્થી છેલ્લા સાડા ત્રણ મહિનાથી ઓફિસ ભાડે રાખી રેકેટ ચલાવતો હતો. કાપોદ્રા પોલીસને બાતમી મળતા એક ઓપરેશન હાથ ધરી 26 વર્ષીય દિપક પટનાયકની ધરપકડ કરી છે. MBAનો અભ્યાસ કરતો યુવક મૂળ ઓડિશાનો હોવાથી સહી-સિક્કા પણ ઓડિશાથી બનાવી લાવ્યો હતો. જેથી સહી-સિક્કા બનાવી આપનારને વોન્ટેડ જાહેર કરાયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સરકારી સાઈટ પર અપલોડ કરતો

પોલીસે બાતમીના આધારે એક ઓપરેશન હાથ ધરી કાપોદ્રા સૌરાષ્ટ્ર સર્કલ ખાતેથી દિપક કવીરાજભાઇ પટનાયકને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ધારાસભ્યના નામના સહી સિક્કા, આધારકાર્ડ, પ્રિન્ટર, કોમ્પ્યુટર, આધાર કાર્ડ બનાવવા માટેના ભરેલા ફોર્મ અને કોરા ફોર્મ સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.આરોપી દિપક કવીરાજભાઇ પટનાયકે તેના વતન ઓડીસા સંબલપુર ખાતે એક અજાણ્યા શખસ પાસેથી વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીના નામના નકલી સિક્કાઓ બનાવડાવ્યા હતા. સુરતમાં કાપોદ્રા સૌરાષ્ટ્ર સર્કલ પાસે આવેલ ક્ષમા સોસાયટી ગેટ નં.4 સામે આવેલ શનીદેવ મહારાજની બાજુમાં આવેલ ઓફિસ ભાડે રાખી હતી.ગ્રાહકો પાસે ફોર્મ દીઠ 200 રૂપીયા ફી લઇને ગ્રાહકો પાસે રહેઠાણના પુરાવા ન હોય તો, આધારકાર્ડ-પાનકાર્ડના સરકારી ફોર્મમાં ગ્રાહકોની જાણ બહાર સિક્કાઓ મારી પોતાની ઓફિસમાં રહેલ કોમ્પ્યુટર મારફતે આ બનાવટી ફોર્મને સરકારી સાઇટ ઉપર ખરા તરીકે અપલોડ કરતો હતો.

પાંચ કલાક ચાલ્યુ ઓપરેશન

ડીસીપી આલોક કુમારે કહ્યું કે, એક ટીમ બનાવીને ઓપરેશન પાંચ કલાકમાં ક્રેક કરવામાં આવ્યું હતું. આરોપી ઇન્દિરા ગાંધી યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરી રહ્યો છે. તેની પાસેથી 20થી વધુ ભરેલા ફોર્મ, જેમાં સહી સિક્કા કરેલા છે. આ સાથે 25થી વધુ કોરા ફોર્મ પણ મળ્યા છે. ધારાસભ્ય કુમાર કાનાણીના આધારકાર્ડની ઝેરોક્સ પણ મળી આવી છે. આરોપી અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, કોઈપણ સરકારી કે કોઈ પ્રતિનિધિના બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરીને તેનો ઉપયોગ કરવો એ ખૂબ ગંભીર બાબત છે.

Related News

Icon