
ગોંડલમાં જયરાજસિંહના બંગલે મારામારી બાદ જાટ યુવક રાજકુમારના મોત બાદ મૃતક યુવકના પરિવારજનોએ ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરી છે. અગાઉ કેસની તપાસ સીબીઆઈ કરે તેવી પણ માંગ કરી છે. મૃતક યુવકને ન્યાય મળે તે માટે રાજસ્થાનની રાજધાની જયપુરમાં આક્રોશ રેલી પણ યોજાઈ હતી. આ રેલીમાં પણ રાજકુમાર જાટને ન્યાય મળે તેવી માંગ ઉઠવા પામી હતી. ત્યારબાદ આજે જાટ યુવકના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
ગોંડલમાં મૃતક યુવક રાજકુમાર જાટના મોત બાદ સત્તાવાર રીતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફૉરેન્સિક પોસ્ટમોર્ટમમાં વિસંગતતા જણાઈ હતી. ફૉરેન્સિક રિપોર્ટમાં મૃતક યુવકના શરીર પર કુલ 42 ઈજાઓ હોવાનો ઉલ્લેખ હતો, જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માત્ર 17 ઈજાઓ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. જેથી મૃતક યુવકના પરિવારજનોએ પોતાના વ્હાલસોયાની હત્યાને અકસ્માતમાં ખપાવાનો આરોપ મૂકી તટસ્થ તપાસની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરી છે. પરિવારે પહેલા સીબીઆઈ તપાસ, પોલીસની કામગીરી મુદ્દે અરજી કરી છે. આ ઉપરાંત પીએમ અને ફૉરેન્સિક રિપોર્ટ અંગેનો હાઈકોર્ટમાં કરેલી અરજીમાં ઉલ્લેખ કર્યો છે.
શું હતી ઘટના?
ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બન્ને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.'
આ દરમિયાન પોલીસને ત્રણ માર્ચના દિવસે મધ્યરાત્રિએ 3 વાગ્યે કૂવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.