
પંચમહાલ જિલ્લામાં ભેદી વાયરસનો કહેર યથાવત્ જોવા મળ્યો છે. આ વાયરસના કારણે વધુ એક બાળકનું મોત નીપજ્યું છે. ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખેડા જિલ્લાના મેનપુરા ગામના 9 વર્ષના બાળકનું તાવ અને ખેંચના લક્ષણો બાદ મોત થયું છે. ખેડાના મેનપુરા ગામના બાળકને પહેલા તાવ આવ્યો હતો, ત્યારબાદ તેને ખેંચ આવતા મોત નિપજ્યું છે.
પંચમહાલ જિલ્લામાં ભેદી વાયરસને કારણે થયેલું ચોથું બાળ મૃત્યુ
આ ઘટના પંચમહાલ જિલ્લામાં ભેદી વાયરસને કારણે થયેલું ચોથું બાળ મૃત્યુ છે.આ આગાઉ પણ પંચમહાલ જિલ્લાના ગોધરા, શહેરા અને હાલોલ તાલુકામાંથી ત્રણ બાળકોના મોત ભેદી વાયરસના લક્ષણો સાથે નોંધાયા હતા.
મૃતક બાળકોના રિપોર્ટ ચાંદીપુરા વાયરસ માટે નેગેટિવ આવ્યા
જોકે, આ મૃત્યુઓ ચાંદીપુરા વાયરસને કારણે નથી થયા, કારણ કે મૃતક બાળકોના રિપોર્ટ ચાંદીપુરા વાયરસ માટે નેગેટિવ આવ્યા છે. આ ભેદી વાયરસને વાયરલ એન્સેફેલાઇટિસ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે, જેના લક્ષણો ચાંદીપુરા વાયરસ સાથે મળતા આવે છે. પંચમહાલ જિલ્લામાં રેત માખીઓથી ફેલાતો શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસ ફરી સક્રિય થતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. રાજ્યના આરોગ્ય વિભાગની ટીમ સાથે આ ટીમો વાઈરસના ફેલાવા, તેના કારણો અને તેને નિયંત્રિત કરવા માટેના પગલાં અંગે તપાસ કરી રહી છે. ટીમો દ્વારા સેમ્પલો લેવાઈ રહ્યા છે.