સુરતમાં થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર દ્વારા જાહેરમાં જન્મદિવસ ઉજવીને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો. ત્યારે આ જ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સહિતના અન્ય ચાર લોકોએ કથિત રીતે સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા સાયલન્ટ ઝોનની હોટલમાં દારૂ અને હુક્કાની મહેફિલ માણી હતી. સાથે જ આ મહેફિલનો વીડિયો પણ બનાવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
જીનલ દેસાઈ સહિત 4 દેખાઈ
ગુજરાત અને સુરતમાં દારૂ અને હુક્કા પર પ્રતિબંધ છે. ત્યારે ડુમસ સાયલન્ટ ઝોનમાં આવેલી બેલિઝિયા હોટેલમાં દારૂ અને હુક્કાની મહેફિલ માણવામાં આવી હતી. મહેફિલ માણનારા બુટલેગર અને કહેવાતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જીનલ દેસાઈ સહિત 4 સામે ડુમસ પોલીસે ગુનો નોંધ્યો છે. 22મીએ ટેક્સટાઇલમાં મોડલિંગ કરતી કક્ષા રમેશ સરવાણીનો જન્મદિવસ હતો. એટલે તેના ભાઈ મિહિર રમેશ સરવાણી, તેજસ ભરત મહેતા અને જીનલ દેસાઈએ બેલિઝિયાની રૂમ નં. 607માં પાર્ટી કરી હતી. વીડિયોમાં દારૂના ગ્લાસ અને હુક્કાના ધુમાડાની રેલમછેલ થતી જોવા મળી હતી.
ટૂંકા દિવસોમાં બીજો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જીનલ દેસાઈ દ્વારા થોડા દિવસો અગાઉ પોતાના બર્થ ડેની થર્ટી ડર્ટીના નામે વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. જે અંગે નોટિસ મોકલવાની તજવીજ ચાલતી હતી. જો કે હજુ સુધી તેણીની ધરપકડ થઈ નથી. ત્યારે ફરી એકવાર જીનલ દેસાઈ કક્ષાના બર્થ ડેમાં તે બધા સાથે મહેફિલ માણતી કેમેરામાં કેદ થઈ હતી.