
દક્ષિણ ગુજરાત અને તેમાં પણ સુરત અને તાપી જિલ્લો અનેક સહકારી પ્રવૃત્તિથી ઓળખાય છે. જેમાં પણ સુરત જિલ્લામાં અનેક મોટી સહકારી સંસ્થાઓ કાર્યરત છે. આ તમામ સહકારી સંસ્થાઓને આર્થિક જીવાદોરી સમાન ગણાતી સુરત ડિસ્ટ્રીક કો ઓપરેટીવ બેંક ગણાય છે. બારડોલી ખાતે ડિસ્ટ્રીકટ બેન્કની વાર્ષિક સાધારણ સભા મળી હતી. આ વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રાજ્યમંત્રીએ મુકેશ પટેલે તેમના ભાષણોમાં કરેલા કેટલાક ચોંકાવનારા નિવેદનથી સહકારી આલમમાં ખળભળાટ મચી ગયો હતો. તાજેતરમાં જ સુમુલ ડેરીમાં ઉભા થયેલા વિવાદ મામલે મુકેશ પટેલ અકળાયા હતા.
ખેડૂતોનું ખાતર ઉદ્યોગોમાં જતું હોવાનો આક્ષેપ
સહકારી સંસ્થાઓમાં કેટલાક સમયથી ભાજપ પક્ષમાં જ અંદરો અંદર સત્તાની લડાઈ માટે અખાડો બની ગઈ છે. બેન્કની સાધારણ સભા હોય મુકેશ પટેલએ મનમાં રહેલો તમામ બળાપો ઠાલવી દેતા સાંભળવા મળ્યા હતા. તેઓએ જણાવ્યું કે, સહકારી સંસ્થામાં કેટલાક ડિરેક્ટરો ખેડૂતોના ખાતરનો પણ વ્યાપાર કરી રહ્યા છે. મંત્રીએ એમ કહ્યું કે, ખેડૂતોનું ખાતર ઉદ્યોગોમાં જઈ રહ્યું છે. તો કયા ઇન્ડસ્ટ્રીમાં જાય એ પણ મંત્રીને ખબર જ હશે. પણ એ વિષે કોઈ ફોડ પાડ્યો નહોતો.
વહીવટ બગાડ્યો તો સરકાર કરશે કાર્યવાહી
સાધારણ સભા હતી સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કની અને મુકેશ પટેલે સુમુલ ડેરીના વિવાદ મામલે ખુલીને બોલ્યાં હતાં. તેમજ સહકારી સંસ્થાને નુકસાન કરનારાઓને રાજ્ય સરકાર છોડવાની નહીં હોવાની પણ ગર્ભિત ચીમકી પણ આપી હતી. ત્યારે ખાસ કરીને સુમુલ ડેરી વિવાદ અને ડિરેક્ટરો વ્યાપાર કરી રહ્યા હોવાના આક્ષેપ અંગે ખરેખર કાર્યવાહી પણ રાજયમંત્રી કરાવશે કે, કેમ તે હવે સભાસદોમાં ચર્ચાઈ રહ્યું છે.