
સુરતના કડોદરા નજીક બારડોલી-સુરત મુખ્ય માર્ગ પર આજે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. મુસાફરો ભરેલી એક એસ.ટી. બસનો ચાલક અચાનક ખેંચ આવી જતાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો અને બસ સીધી રોડના ધાર પર આવેલા સેફ્ટી બેરીકેટમાં ઘૂસી ગઈ હતી. ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ હોવાના અહેવાલ નથી, પરંતુ બસમાં સવાર મુસાફરોમાં ભારે દહેશત ફેલાઈ હતી.
બસમાં 30 મુસાફરો હતા
આ ઘટના બારડોલી-સુરત રોડ પર આવેલા તાતીથૈયા ગામ પાસે બની હતી. રાજ્ય પરિવહન નિગમની બસ બારડોલી તરફથી સુરત જઇ રહી હતી. બસમાં અંદાજે ૩૦થી વધુ મુસાફરો સવાર હતા. ડ્રાઇવરના જણાવ્યા અનુસાર, ચાલતી બસ દરમિયાન તેમને અચાનક શરીરમાં ખેંચ આવી, જેના કારણે તેઓ સ્ટેરિંગ પરથી નિયંત્રણ ગુમાવી બેઠા.બસ સીધી રોડની સાઈડમાં આવેલા સેફ્ટી બેરીકેટ સાથે અથડાઈ અને ત્યાં અટકી રહી. ઉલ્લેખનીય છે કે બસ જ્યાં અટકી હતી, તે નજીકમાં જ પાણીની કેનાલ વહેતી હોવાથી અકસ્માત વધુ ભયાનક બની શકે તેમ હતો. વધુમાં, જો બસ થોડું પણ વધુ આગળ ખસી ગઈ હોત તો મોટી દુર્ઘટનાની શક્યતા હતી.
મુસાફરોને સુરક્ષિત કઢાયા
આ અકસ્માત પછી ઘટનાસ્થળે તાત્કાલિક ખળભળાટ મચી ગયો હતો. કડોદરા પોલીસનો સ્ટાફ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. બસમાં સવાર મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. કેટલાક મુસાફરોને નાનાંમોટાં ઘા લાગ્યા હોવાના અહેવાલ મળ્યા છે, જેઓને તત્કાળ નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.હાલમાં કડોદરા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને ડ્રાઇવરનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ એમ પણ તપાસ કરી રહી છે કે બસની તાંત્રિક સ્થિતિ યોગ્ય હતી કે નહીં, તેમજ ડ્રાઇવરના સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓ પણ નિરખવામાં આવી રહ્યા છે.