
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10ના વર્ષ 2025ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જો કે, પરીક્ષાના ભાર અને પરિણામના ડરથી ઘણા વિદ્યાર્થી આપઘાત કરી લેતા હોય છે. ત્યારે ગંભીર ગણાતી કેન્સરની બીમારીને મ્હાત આપીને સુરતના વિદ્યાર્થીએ દ્રઢ મનોબળ અને ઈચ્છાશક્તિ સાથે આકરી મહેનતથી એ-1 ગ્રેડ મેળવ્યો છે.
અડગ આત્મવિશ્વાસથી મેળવી સિધ્ધિ
મોટા વરાછાની મૌની ઇન્ટરનેશનલ શાળામાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા ભાવિક ખૂંટને એવન ગ્રેડ મળ્યો છે. ભાવિકની હાલમાં બ્લડ કેન્સરની સારવાર ચાલી રહી છે. એને બે વર્ષ અગાઉ કેન્સર ડિરેકટ થયું હતું. જેના કારણે ગયા વર્ષે એ 10 બોર્ડની પરીક્ષા આપી શક્યો નહોતો. આ વર્ષે કેન્સરને કેન્સલ કરવા સાથે ભારે આત્મવિશ્વાસથી અને ભરપૂર તૈયારી સાથે એણે પરીક્ષા આપી હતી. પરિણામ સ્વરૂપે પરિણામ એવન આવ્યું છે.
બીમારી વચ્ચે પણ એ-વન મેળવવાનો ધ્યેય અકબંધ હતો
ભાવિક કહે છે, જ્યારે કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે સૌથી વધુ દુઃખ પરીક્ષા નહી આપી શકું એ હતુ. પણ આવતા વર્ષે પરીક્ષા આપીશ અને એવન ગ્રેડ લાવીશ એવો નિધૉર કર્યો હતો. એ માટે પહેલા કેન્સર ને માત આપવી પડે એટલે રેગ્યુલર સારવાર અને નિયમિત દવા કસરત દ્વારા કેન્સરમાંથી બહાર આવ્યો. જોકે સારવાર હજી ચાલુ છે. એક વર્ષ પછી ફરી ભણવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું. બીમારીના કારણે સ્કૂલ રેગ્યુલર થઈ શકતી નથી. મહિનામાં માંડ એક અઠવાડિયું જઈ શકાય. પરંતુ શાળાના આચાર્ય શિક્ષકના સપોર્ટના કારણે મને તૈયારી કરવામાં સરળતા રહી. દરરોજ ત્રણ કલાક વાંચન રહેતું. અને એક જ ધૂન કે એવન ગ્રેડ લાવવો છે. આજે પરિણામ જોઈને ખુશ છું. મારી આ સિદ્ધિ માટે મારી શાળા અને મારા માતા પિતા પરિવાર ની ખૂબ મહેનત અને લાગણી છે હું એ દરેક નો ઋણી છું.
વિજ્ઞાનમાં 100માંથી 100 માર્ક
ભાવિકને વિજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક્સ આવ્યા છે. તેને હવે સાયન્સમાં એ ગ્રુપમાં આગળનો અભ્યાસ કરવાની ઈચ્છા છે. એ કહે છે, કોઈપણ પરિસ્થિતિમાં ક્યારેય નિરાશ થવું જોઈએ નહીં આત્મવિશ્વાસ સાથે આગળ વધશો તો સફળતા ચોક્ક્સ મળશે. તેમની શાળાના આચાર્ય જે.બી.પટેલે પણ કહ્યું કે, ભાવિકમાંથી એ તમામ વિદ્યાર્થીઓએ પ્રેરણા લેવી જોઈએ. જેમને રિઝલ્ટ નબળા આવ્યા છે અથવા નાસીપાસ થયા છે.