
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં વર્ષ-2007માં મધુર જવેલર્સમાં આરોપી સહિત 18 જેટલા લોકો ઘુસી જઈને સ્ટાફને માર મારી સોના-ચાંદીના ઘરેણાં, રોકડ 8.44 લાખ અને તોડફોડ કરી ફરાર થઈ ગચા હતા. આ કેસની તપાસ સુરત ક્રાઈમ બ્રાંચ કરી હતી. આ કેસનો આરોપી મધ્ય પ્રદેશના ઈંદોરથી ઝડપાયો હતો. આ આરોપી 18 વર્ષથી નાસતો ફરતો હતો.
મળતી માહિતી અનુસાર, આજથી 18 વર્ષ અગાઉ એટલે કે, વર્ષ-2007માં સુરત શહેરમાં આવેલા લિંબાયતના ગોડાદરામાં મધુર જવેલર્સમાં આરોપી ધર્મેન્દ્ર કાંતિલાલ સોની અને તેના કૂલ 18 સાગરિતો બળજબરીથી ઘુસી જઈને જવેલર્સના સ્ટાફને માર મારી જમીન પર સુવડાવી દીધા અને જવેલર્સમાં ભારે તોડફોડ કરી હતી. ત્યારબાદ સોના ચાંદીના ઘરેણા રોકડા રૂપિયા તથા તોડફોડ કરી કુલ રૂપિયા 8,44,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેથી આ મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં આરોપીઓ અને તેના સાગરિતો સામે ગુનો નોંધાયો હતો.
સમય જતા આ કેસ સુરત ક્રાઈમ બ્રાંચને સોંપાયો હતો. આ કેસનો મુખ્ય આરોપી અને આંતરરાષ્ટ્રીય ગેંગના આરોપી ધર્મેન્દ્ર કાંતિલાલ સોની 18 વર્ષથી નાસતો ફરતો હતો. જે ક્રાઈમ બ્રાંચના હાથે ઈન્દોરથી ઝડપાયો હતો. આ આરોપી સામે આંધ્રપ્રદેશમાં પણ લૂંટના કુલ પાંચ ગુન્હા નોંધાયા છે. આ ઉપરાંત આરોપી અગાઉ મહારાષ્ટ્રના નાસિક અને વલસાડના ઉમરગામ ખાતે ઘરફોડ ચોરીમાં પકડાઈ ચૂક્યો છે.