
Ahmedabad Plane Crash: અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ગુરુવારે (12મી જૂન) ક્રેશ થયું હતું. જે અમદાવાદથી લંડન જઈ રહેલું પેસેન્જર વિમાન હતું. આ વિમાન દુર્ઘટનામાંથી એક માત્ર બચી ગયેલા સીટ નંબર 11Aના પ્રવાસી વિશ્વાસ રમેશ કુમારની બાજુમાં જ સીટ નંબર 11બી અને 11સી પર બેઠેલાં સુરતના ડોક્ટર દંપતિ ડૉ.હિતેશ શાહ અને તમના પત્ની ડૉ.અમિતા શાહ કાળનો કોળિયો બની ગયા છે.
પ્રથમવાર અમદાવાદથી લંડન જવા નીકળ્યા
મળતી માહિતી અનુસાર, સુરતના અડાજણ ખાતે રહેતા આ શાહ દંપતી લંડન ખાતે રહેતી પોતાની બહેનને મળવા જઈ રહ્યું હતું. ડોક્ટર હિતેશ શાહના નજીકના લોકો એ જણાવ્યું હતું કે, આ ડોક્ટર દંપતિ બહુધા મુંબઈથી જ લંડન જવાની ફ્લાઈટ પકડતા હતા, પરંતુ તેમનું મૃત્યુ જ અમદાવાદથી લંડનની ફ્લાઈટ પકડવા માટે ખેંચી લાવ્યું હોવાનું જણાય છે. વર્ષો પછી આ વખતે પ્રથમવાર તેઓ અમદાવાદથી લંડન જવા નીકળ્યા હતા અને કાળ તેમનો કોળિયો કરી ગયો હતો.
સુરતના અડાજણ સુજાતા સોસાયટીમાં રહેતા ડોક્ટર હિતેશ શાહ અને તેમની પત્ની અમિતાબેન શાહનો દીકરો અને દીકરી અમેરિકા રહે છે. ડોક્ટર હિતેશભાઈ શાહ અડાજણ ખાતે આવેલી સુગમ સોસાયટીમાં રહેતા હતા અને ત્યાં જ તેઓની સ્મિત ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવતા હતા. પરંતુ સોસાયટીમાં હોસ્પિટલ ચલાવવા બાબતે સોસાયટી વાળાઓ સાથે અવારનવાર અણગમતા બનાવો બન્યા કરતા હોવાથી તેઓએ સોસાયટીમાંથી હોસ્પિટલ બંધ કરી દીધી હતી અને તેઓ પોતાના જૂના ઘરે સુજાતા સોસાયટીમાં રહેવા જતા રહ્યા હતા. તેઓ સુરત જનરલ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા હતા.