જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 27 લોકોનાં મોત થયા હતાં. જેમાં સુરતના શૈલેષ હિંમતભાઈ કળથિયાનું પણ મોત થયું હતું. દીકરીની ઈચ્છા પૂર્ણ કરવા માટે કશ્મીર ફરવા માટે લઈ ગયા હતા ને કરુણ ઘટના ઘટી હતી. ત્યારે આજે મૃતક શૈલેષભાઈની અંતિમયાત્રા નીકળી હતી. તે વખતે ભારતની વિરાંગના સાબિત થતાં શૈલેષભાઈની પત્ની શિતલબેને ગર્જના કરી હતી કે, હું રડતી નથી. આતંકીઓ ઈચ્છતા કે અમે રડીએ અને બર્બાદ થઈ જઈએ પણ હું હિંમતથી ઉભી છું.
શિતલબેને કરી ગર્જના
શિતલબેને અંતિમયાત્રા વખતે એક પણ આંસુ પોતાની આંખમાં ન આવવા દીધા હતાં. સાથે જ ગર્જના કરી હતી કે, આ દ્રશ્યો આતંકીઓ જોવે. તેણે અમારા એકને માર્યો છે. પણ અમારો એક લાખોને મારશે. એ ઈચ્છતા હતા કે, અમે રડીએ બર્બાદ થઈ જઈએ. મૃતકના પત્ની-બાળકો રડે પણ એવું કંઈ થવાનું નથી. અમે હસતા મુખે આજે વિદાય આપી રહ્યા છીએ.
ધડાધડ ગોળીબાર થતાં થયું મૃત્યું
શૈલેષભાઇ હિંમતભાઇ કળથિયા તેમના પત્ની શીતલ કળથિયા, પુત્રી નીતિ અને પુત્ર નક્ષત્ર સાથે મુંબઈથી કાશ્મીર ફરવા માટે ગયાં હતાં. દરમિયાન શ્રીનગરથી પહેલગામ ફરવા ગયાં હતાં અને વિવિધ જગ્યાએ ફરીને ગતરોજ 22 એપ્રિલે તેઓ ત્યાંના મિની સ્વિટ્ઝરલેન્ડ ગણાતા બૈસરનવેલીમાં પહેલગામથી ઘોડા પર બેસીને કુદરતી સૌંદર્યને નિહાળતા હતા. ત્યારે અચાનક આંતકવાદીઓ દ્વારા ધડાધડ ગોળીબાર કરાતાં કળથિયા પરિવારના ચાર સભ્યોમાંથી મોભી એવા શૈલેષભાઈને ગોળી વાગતાં મૃત્યુ થયું હતું. પરિવારના અન્ય સભ્યો સહીસલામત છે.