સુરત શહેરમાં ખાડીપૂરની પરિસ્થિતિએ એક વાર ફરી ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને રડાવ્યા છે. ખાસ કરીને રઘુકુલ માર્કેટ સહિત કુલ 8 માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ દુકાનોમાં પાણી ઘૂસી જતાં મોટા પાયે સાડીનું સ્ટોક પલળી ગયું છે. દોઢથી બે ફૂટ સુધી ખાડીનું પાણી દુકાનોમાં ઘૂસી ગયેલું હોવાને કારણે વેપારીઓને માલ ખસેડવાનો સમય પણ મળ્યો ન હતો. પરિણામે મોંઘીમૂલી સાડીઓ પલળી ગઈ અને તેમાં ભીનાશ તેમજ દુર્ગંધ ઘર કરી ગઈ છે.
સાડી હવે ‘નંગ’ નહિ ‘કિલો’માં વેચાઈ રહી છે
દુર્ગંધને કારણે રૂ. 100, 1000, 1500 કે 2000 સુધીની સાડીઓ પણ હવે 50થી 100 રૂપિયાની કિલોના ભાવે વેચવાનું હાલત બન્યું છે. એક કિલોમાં માત્ર 2 થી 3 સાડીઓ જ આવતી હોવાથી, વેપારીઓને ભારે નુકશાન વેઠવું પડી રહ્યું છે.
ટેક્સટાઇલ ધોબી ઘાટમાં ફેરવાઈ
માર્કેટના પેસેજમાં પટ્ટી બાંધી, પંખા લગાવી, દોરી ઉપર સાડીઓ લટકાવી ને સુકવવાનો દ્રશ્યો ધોબી ઘાટ સમાન લાગે છે. વેપારીઓએ જણાવ્યું કે, "આજ રઘુકુલ માર્કેટના પેસેજમાં વેચાણ નહીં, પણ સાડી સુકાવાની સ્થિતિ છે."
100 કરોડથી વધુ નુકશાનનો અંદાજ
પ્રાથમિક અંદાજ મુજબ 500 થી વધુ દુકાનોને અસર થઈ છે અને કુલ મળીને રૂ. 100 કરોડથી વધુનું નુકશાન વેપારીઓએ ભોગવ્યું છે. અનેક વેપારીઓનું કહેવુ છે કે, "આ વરસાદ અને ખાડીપૂરની સમસ્યા દર વર્ષે સામે આવે છે, પણ તંત્ર તરફથી કોઈ સ્થાયી સમાધાન નથી."