જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 28 લોકોના મોત થયા છે. આતંકી હુમલામાં સુરતના શૈલેષભાઇ કળથિયાનું પણ મોત થયું હતું. શૈલેષભાઇ કળથિયાની અંતિમ યાત્રા નીકળી હતી.આ અંતિમ યાત્રામાં કેન્દ્રીય જળમંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ હાજર રહ્યાં હતા. આ દરમિયાન શૈલેષભાઇ કળથિયાની પત્નીએ સી.આર.પાટીલ સામે પોતાની વ્યથા ઠાલવી હતી અને સુરક્ષા સામે સવાલ ઉઠાવ્યા હતા.
પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટનારા સુરતના શૈલેષભાઇ કળથિયાના પત્ની શીતલબેને કેન્દ્રીય જળમંત્રી સી.આર.પાટીલ સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, "કાશ્મીર ખરાબ નથી, ત્યાની સિક્યુરિટી સારી નથી. ત્યાં કોઇ ઓફિસર નહતો, એક પણ જવાન નહતો. જો આ હોત તો આ ઘટના ના બની હોત. આટલી મોટી ઘટના બની છતાં મિલિટ્રીને ખબર નહતી કે ઉપર થયું છે શું? અમે અમારા કોન્ટેક્ટથી ફોન કરીને પોલીસને જાણ કરી અને પછી એમ્બ્યુલન્સ બોલાવી હતી. તે પછી મિલિટ્રીને ખબર પડી કે આવું કઇંક થયું છે. મિલિટ્રી વાળા તો એમ કહેતા હતા કે તમે ફરવા જ કેમ આવો છો?
અમારા ઘરનો આધારસ્તંભ લઇ લીધો-
શીતલબેને પોતાની વ્યથા વ્યક્ત કરતા મોદી સરકારને વિનંતી કરતા કહ્યું કે, "અમારા ઘરનો આધારસ્તંભ લઇ લીધો છે. સરકાર ઉપર ભરોસો રાખીને, મિલિટ્રી ઉપર ભરોસો રાખીને અમે અહીં આવ્યા હતા. કોઇ સુવિધા નહીં, કોઇ આર્મી નહીં, કોઇ ફેસિલિટી નહીં, કોઇ પોલીસ નહીં. કોઇ મોટા નેતા આવે ત્યારે હેલિકોપ્ટરની સુવિધા મળે છે, ટેક્સ ઉપર આ બધુ ચાલે છે તો અમે ટેક્સ શાના માટે ભરતા હતા. આર્મી કેમ્પમાં બુમો પાડીને કહેતા હતા કે ઉપર કેટલા લોકો છે તેમનું જલદી કાંઇક કરો. આટલી મોટી ઘટના બની ગઇ છતાં આર્મીને કેમ ખબર ના પડી. આતંકીઓ અમારી સામે આવીને ગોળી મારીને જાય છે તો આપણી આર્મી શું કરે છે? લાખોની સંખ્યામાં ત્યાં આર્મી હતી. ટુરિસ્ટ પ્લેસ છે તો ત્યાં કોઇ આર્મી કે પોલીસ જ નહતી.મને મારા ઘરનો આધારસ્તંભ પાછો આપો મારે બીજુ કાંઇ ના જોઇએ."
'મને ન્યાય આપો, મારા છોકરાનું ભવિષ્ય ખરાબ ના થવું જોઇએ'
સુરતના શૈલેષભાઇ કળથિયાના પત્ની શીતલબેને સી.આર.પાટીલ સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, 'મને ન્યાય જોઇએ, મારા છોકરાનું ફ્યૂચર ખરાબ ના થવું જોઇએ. મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઇ સુવિધા ના મળી. મને મારા ઘરનો આધારસ્તંભ પાછો આપો, મારે બીજુ કાંઇ ના જોઇએ. આ જ પછી કોઇ વોટ જ ના કરતા. આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે તો તમારી પાછળ કેટલા વીઆઇપી હોય છે, કેટલી ગાડીઓ હોય છે, તમારો જીવ જીવ છે, જે લોકો ટેક્સ ભરે છે તેમના જીવની કોઇ કિંમત જ નથી.'