સુરત શહેરમાં ગુનાખોરીના બનાવો સતત વધી રહ્યાં છે. તાજેતરમાં પુણાગામ વિસ્તારમાં આવેલા ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના એમ્બ્રોઈડઈરીના કારખાનામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. જૂના કારીગરે ફેક્ટરી માલિક સાથે માથાકૂટ કર્યા બાદ રિવોલ્વરથી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું અને બાદમાં એક મોબાઈલ લૂંટ કરી ફરાર થઈ ગયો.
બોલાચાલી બાદ ફાયરિંગ
પ્રાથમિક માહિતી મુજબ, ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીના પહેલા માળે આવેલી એમ્બ્રોઈડઈરીની ફેક્ટરીમાં કોઈ જૂના કારીગર સાથે કારખાનાના માલિકની ઉગ્ર બોલાચાલી થઈ હતી. ડરાવવા માટે કારીગરે હવામાં ત્રણ ગોળીઓ ફાયર કરી તણાવભર્યું વાતાવરણ સર્જ્યું હતું. ફાયરિંગ બાદ આરોપી કારીગર મોબાઈલ ફોન લૂંટી સ્થળ પરથી ફરાર થઇ ગયો. ઘટના બાદ તાત્કાલિક પુણા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ છે.
પોલીસ દોડી આવી
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને શોધવાની તીવ્ર કામગીરી શરૂ કરી છે. ઘટના અંગે પુણા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. દેસાઈએ જણાવ્યું કે, “અત્યાર સુધીમાં કેટલાક મહત્વના ક્લૂ મળ્યા છે અને આરોપીની પકડ માટે ટીમોએ કામ શરૂ કર્યું છે.”અગાઉ નોંધાયેલ કોઈ વિવાદ હતો કે કેમ, અને કારીગરને રિવોલ્વર કઈ રીતે મળ્યું – એ પણ તપાસના મુદ્દા છે.