
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 7 માર્ચના રોજ ગુજરાતના સુરતની મુલાકાત લઈ રહ્યાં છે.. જેને લઈને પોલીસ અને વહીવટીતંત્રએ પૂરી કામગીરી કરી છે. વડાપ્રધાન મોદી નીલગીરી ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે અને સુરતના સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરીને 8 માર્ચે નવસારીના કાર્યક્રમ માટે રવાના થશે. નવસારીના વાંસી બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 'લખપતિ દીદી' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કામ અને દાનની સુરતની ઓળખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાષણ શરૂ કરે તે અગાઉ લોકોએ મોદી..મોદી..ના નારા લગાવ્યાં હતાં. બાદમાં કેમ છો હૂરત..કહીને કહ્યું કે, મને ત્રીજીવાર વડાપ્રધાન બનવાનું સદભાગ્ય મળ્યા બાદ પ્રથમ વાર સુરત આવ્યો છું. ગુજરાતે મને ઘડ્યો છે. દેશે મને અપનાવ્યો છે. ઋણી છું તમામનો જેણે મને ઘડ્યોછે. સુરતનો અલગ જ સ્પીરીટ જોવા મળે છે. કામ અને દાન સુરતની અલગ ઓળખ છે. જે સુરતને દેશ અને રાજ્યમાં અગ્રણી શહેર તરીકેની ઓળખાણ બન્યું છે.
યોજના અન્ય જિલ્લા માટે પ્રેરણારૂપ બનશે
મોદીએ કહ્યું કે, સુરતની અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ યોજના જે સવા બે લાખ લોકોને મળી રહી છે. તે યોજના દેશના અન્ય જિલ્લા માટે પણ પ્રેરણારૂપ બનશે. કારણ કે અમારી સરકારનો નારો છે કે ન કોઈ રૂઠે, ન કોઈ છૂટે અને ન કોઈ ઠગે..સરકાર સામે ચાલીને ઘરે જઈને યોજના આપે છે. જેથી સરકાર સામે આવે તો રૂઠવાનો, છૂટવાનો કે ઠગવાનો સવાલ જ આવતો નથી. સરકાર તૃષ્ટિકરણ નહી પરંતુ સંતૃપ્તિકરણની ભાવનાથી કામ કરી રહી છે.
અન્નનું મહત્વ સૌથી વધુ
રોટી કપડા અને મકાનમાં સૌથી પહેલા રોટી આવે છે. સરકાર ગરીબની સાથી બની છે. સેવકના રૂપમાં કામ કરે છે. ગરીબ માતાનો દીકરો સાચા અર્થમાં ગરીબી જાણે છે. કોવિડમાં જરૂરત હતી ત્યારે પીએમ ગરીબ કલ્યાણ યોજનાથી માનવતાને મહત્વ આપ્યું હતું. પોષણની ચિંતા કરી છે. ગર્ભવતી માતાની ચિંતા કરી છે. અમે કોઈ ન છૂટે તેની ચિંતા કરીને તમામને લાભ મળે તે માટે પ્રયત્ન રત રહ્યાં છીએ.
સુરત સ્વચ્છતામાં અગ્રેસર
સ્વચ્છતાનું મહત્વ અમે સમજીએ છીએ. સ્વચ્છતાથી બીમારીઓ આવતી નથી. સુરત તો આ બધામાં અગ્રેસર છે. દર વર્ષ પહેલાં બીજા નંબરે આવે છે. સ્વચ્છતાને અમે બળ આપીએ છીએ. જેથી સુરત અભિનંદનનું હકદાર છે. સુરતથી દરેક શહેર અને ગામએ પ્રેરણા લેવી જોઈએ. ગંદકી ઘટે અને બીમારી ઓછી થાય તે માટે અમે પ્રયત્નશીલ છીએ.
સ્વચ્છતા-મેડિકલને લગતી યોજના અપાઈ
સ્વચ્છ જળ લોકોને મળે તે માટે જળશક્તિ મંત્રાલય કામ કરી રહ્યું છે. સી.આર.પાટિલ તેના મંત્રી છે. દરેક ઘરમાં નળથી પાણી સ્વચ્છ મળે તે માટે કામ થઈ રહ્યું છે. સુરત મિની ભારત છે. ત્યારે હવે રાશન માટે અન્ય રાજ્યના લોકોને ભટકવું નથી પડતું. દેશમાં તમામ જગ્યાએ રાશન મળી રહે તે માટે વન નેશન વન રાશન યોજના શરૂ કરાઈ છે. વીમા સુરક્ષા કવચ 60 કરોડ ભારતીયોને આપવામાં આવ્યું છે. 5 લાખ સુધીની મેડિકલ સહાય આપવામાં આવે છે.જે અંતર્ગત 16 હજાર કરોડથી વધુ નાણાનો ક્લેમ ચૂકવી દેવામાં આવ્યો છે.
વિપક્ષ પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંક ખાતાની વાત કરતાંકહ્યું કે, મુદ્રા યોજના થકી 32 લાખ કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યાં છે. જે અંગેની જાણ મને ગાળો આપનારા અને ઝીરો સીટ મેળવનારાને તેમાં કેટલા મીંડા આવે તે પણ ખબર નહીં હોય તેમ કહીને વિપક્ષ પર પ્રહાર કર્યા હતાં.
સુરત વેલ કનેક્ટેડ સિટી
સુરતને વેલ કનેક્ટેડ સિટી બનાવવાની રાહ પર કામ થઈ રહ્યું છે. સુરત મીની ભારતના રૂપે વિશ્વના નકશામાં સ્થાન પામે તેવા પ્રયત્નો થઈ રહ્યાં છે. ત્યારે ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગને પણ વેગ મળે તે માટે સરકાર સતત પ્રયત્ન શીલ છે.
પેઈન્ટિંગ પર આપ્યા ઓટોગ્રાફ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો યોજ્યો હતો. જેમાં રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદીના પેઈન્ટિંગ પણ ઘણા લોકો લાવ્યા હતાં. જેમાં હીરા બા સાથેના નરેન્દ્ર મોદીના પેઈન્ટિંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોમમાં કાફલો અટકાવીને પોતાના હસ્તાક્ષર આપ્યાં હતાં.