
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોર બાદ સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે સિલવાસા ખાતે પહોંચ્યા હતાં. જ્યાં તેમણે 450 બેડની હોસ્પિટલનું નિરીક્ષણ કરીને બાદમાં લોકાર્પિત કરી હતી. ત્યારબાદ રોડ શો મારફતે તેઓ સભા સ્થળે પહોંચ્યા હતાં. સભા સ્થળે તેમનું સ્વાગત પ્રશાસક પ્રફુલ્લ પટેલ અને સાંસદ મોહન ડેલકર સહિતનાએ કર્યું હતું. ત્યારબાદ ગુજરાતી અને હિન્દીમાં સભાને સંબોધતા વડાપ્રધાને સિંગાપોરના વિકાસને યાદ કરતાં કહ્યું સંઘપ્રદેશમાં પણ તાકાત છે. અહિંના લોકો ધારે તો હું તેમની સાથે છું.
જૂની યાદો તાજી કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રવચનમાં સેલવાસ, દમણ-દીવ અને દાનહ સાથે જૂનો સંબંધ હોવાની વાતથી શરૂઆત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, જૂના લોકોને જોઈને ખૂબ આનંદ મળ્યો. મને અહિં ખૂબ મજા આવે છે તે તમે અને હું જ સૌથી વધુ જાણીએ છીએ. અહિંની ધરતીમાં લોકોમાં ખૂબ જ સામર્થ્ય છે. મને ભરો છો કે, આ ક્ષેત્ર ખૂબ વિકાસ કરશે.
સિંગાપોરનું ઉદાહરણ આપ્યું
મોદીએ કહ્યું કે, નાનકડી વાત કરું તમને ખબર જ હશે કે, દરિયા કિનારે સિંગાપોર આવેલું છે. તે અગાઉ એક માછીમારોનું જ ગામ હતું. પરંતુ આજે સંકલ્પ શક્તિથી તે સિંગાપુર બન્યું છે. સંઘપ્રદેશના લોકો નક્કી કરે તો હું પણ તમારા સાથે જ ઉભો છું. સંઘપ્રદેશમાં કનેક્ટિવિટીના ખૂબ જ કામ થયા છે. મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે અહિંથી પસાર થાય છે. બુલેટ ટ્રેનનું સ્ટેશન થવાનું છે. જેથી લોકો નક્કી કરે તો શું ન થઈ શકે. બસ લોકોએ પ્રયત્નો કરવાની જરૂર છે.
10 ટકા તેલ ઓછું કરવાનું વચન માગ્યું
મોદીએ લોકોએ પાસે મેદસ્વીતા ઘટાડવાના ભાગ રૂપે લોકો પાસેથી રોજિંદા તેલના ઉપયોગમાંથી 10 ટકા તેલ ઓછું કરવાનું વચન માંગ્યુ હતું. તેમણે કહ્યું કે, આ બહુ મોટી મેદસ્વીતા બીમારી છે. 2050માં મેદસ્વીતાના 44 કરોડ લોકો શિકાર બનવાના છે તેવો સર્વે છે ત્યારે આપણે આ તકલીફને ટાળવા માટે અત્યારથી જ પ્રયત્નો કરવા જોઈએ. આ વજન ઘટાડવાની દીશામાં એક પગલું છે. તમે કસરત પણ કરી શકો.
અત્યાધુનિક હોસ્પિટલ
આ હોસ્પિટલમાં હાઈટેક ઓપરેશન થિયેટર, રોબોટિક સર્જરી અને AI ટેકનોલોજી ઉપલબ્ધ થશે. સ્થાનિક નાગરિકોને હવે ઉચ્ચ સ્તરની સારવાર માટે વલસાડ, મુંબઈ કે સુરત જવું નહીં પડે. વડાપ્રધાન 650 બેડની વધારાની ક્ષમતા ધરાવતા બીજા તબક્કાનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. દમણમાં ટોય ગાર્ડન અને નાઈટ બજારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ્સ પ્રવાસન ઉદ્યોગને વેગ આપશે. દિવ ખાતે નવા સર્કિટ હાઉસના મકાનનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કર્યું હતું.
2587 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત
સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસના નમો હોસ્પિટલ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુલ ₹2587 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદ સાયલી ખાતે ભાજપ કાર્યકરો અને સ્થાનિક લોકોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાનનું સુકાન સંભાળ્યા બાદ મોદીની સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ખાતે ચોથી મુલાકાત છે.તેમના કાર્યકાળમાં સંઘ પ્રદેશમાં અનેક વિકાસ કાર્યો પૂર્ણ થયા છે. નમો હોસ્પિટલ, ટોય ગાર્ડન અને નાઈટ બજાર જેવા પ્રોજેક્ટ્સ સ્થાનિક નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવશે.