
આગામી તા.૭મી માર્ચના રોજ સુરતના લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાનાર રાજ્યના પૂરવઠા વિભાગના 'સુરત અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ કાર્યક્રમ' સંદર્ભે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે લિંબાયત ખાતે સમારોહ સ્થળની મુલાકાત કરી કાયદો અને વ્યવસ્થા સંબંધિત આયોજન, પોલીસ બંદોબસ્ત તેમજ પૂર્વતૈયારીઓનો તાગ મેળવ્યો હતો. જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, ડીડીઓ શિવાની ગોયલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, કાર્યક્રમના નોડલ અધિકારી અને જિલ્લા પૂરવઠા અધિકારી ડી.ડી. શાહ અને ઉચ્ચ અધિકારીઓ મુલાકાતમાં સાથે જોડાયા હતા.
સુરક્ષા વિષે વાકેફ કરાયા
વિકાસ સહાયે સમારોહ સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું, કાર્યક્રમ સ્થળે જરૂરી સુરક્ષા વ્યવસ્થા વિષે વાકેફ થયા હતા. પોલીસ કમિશનરએ કાર્યક્રમ સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને એક્શન પ્લાનથી તેમને અવગત કર્યા હતા. રાજ્ય પોલીસ વડાએ તમામ વ્યવસ્થાઓ સમય મર્યાદામા પૂર્ણ થાય તથા સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્વિત કરવા વહીવટી તંત્રને જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતા.