
સુરેન્દ્રનગર જીલ્લાના મુળી અને થાન તાલુકામાંથી ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમે દરોડા પાડી કરી મોટાપાયે ગેરકાયદેસર કાર્બોસેલ અને સફેદ માટીનું ખનન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. રૂ. 1.31 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
ચોટીલા પ્રાંત અધિકારી અને મુળી મામલતદાર સહિતની ટીમે અલગ-અલગ બે તાલુકાઓમાં રેઈડ કરી હતી જેમાં મુળી તાલુકાના ભેટ ગામની સીમમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર સફેદ માટી તેમજ કાર્બોસેલનું ખનન ઝડપી પાડયું હતું અને સ્થળ પરથી 1-હિટાચી મશીન, 2-ટ્રેકટર, 2-સેન્ડ સ્ટોન ભરેલ ડમ્પર, 2-કમ્પ્રેસર, 80 મેટ્રીક ટન કાર્બોસેલ કબ્જે કર્યો હતો જ્યારે કબ્જે કરેલ કાર્બોસેલ ડમ્પર મારફતે થાન મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત થાન તાલુકાના જામવાળી ગામની સીમમાં અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદેસર ત્રણ કુવાઓમાંથી કાર્બોસેલનું ખનન થતું હોવાનું ઝડપી પાડયું હતું અને સ્થળ પરથી 4-ચરખી, 10-બકેટ, 46 નંગ સુપર પાવર વિસ્ફોટક સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે બન્ને રેઈડ દરમ્યાન કુલ રૂ.1.31 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલ અને સફેદ માટીના ખનન બદલ નિલેશભાઈ પ્રભુભાઈ વીંઝવાડીયા રહે.ભેટવાળા સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી તેમજ જામવાળી ગામની સીમમાં પણ ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરનાર શખ્સોને શોધવાની તજવીજ હાથધરી છે.