સુરેન્દ્રનગરના ઓડુ ગામમાં શાળા પ્રવેશોત્સવ જેવા પવિત્ર કાર્યક્રમમાં એક ગંભીર સમાજિક મુદ્દે ચેતવણીભર્યું નિવેદન સામે આવ્યું છે. ઓડુ ગામે યોજાયેલ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના ધારાસભ્ય પી.કે. પરમારનો "આત્મા જાગ્યો" હોય એવું જણાય તેવો ઉગ્ર પ્રસાર થયો. ધારાસભ્ય પરમારએ જાહેરમંચ પરથી સ્વીકારી લીધું કે સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂનું વેચાણ ખુલ્લેઆમ થાય છે અને હવે સમય આવી ગયો છે કે આ અંધાધૂંધ વેચાણ સામે કડક પગલાં ભરવામાં આવે.પી.કે. પરમારએ આ પ્રસંગે જાહેરમાં કહ્યું કે, "મારે કોઈ ભલામણ કરાવવી નથી. દારૂ વેચતા કે પીધેલા લોકો ઝડપાઈ જાય તો મને ભલામણ માટે ફોન ન કરવો. હું SP ને કહેવા જઈ રહ્યો છું કે હવે આ બધું બંધ થવું જોઈએ."તેમણે વધુમાં જણાવ્યું કે દારૂના વ્યસનથી અનેક મહિલાઓ વિધવા બની રહી છે, પરિવારો તૂટી રહ્યા છે અને સમાજમાં વિકૃતિ વધી રહી છે. કાર્યક્રમ દરમિયાન મહિલાઓએ દારૂના ખુલ્લા વેચાણ અને ગામમાં વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓને લઈને રજુઆત કરી હતી. જે પછી ધારાસભ્યનો આક્રોશ ફાટી નીકળ્યો અને સમગ્ર મામલો સમગ્ર જિલ્લાની ચિંતાનું કારણ બની રહ્યો છે.