
Surendranagar News: છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર સહિત ગુજરાતભરમાં ખનીજ માફિયાઓનો આતંક સતત સામે આવી રહ્યો છે. એવામાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંતમાં ખનીજ અધિકારીઓએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને મૂળી તાલુકાના ત્રણ ગામોમાં ગેરકાયદેસર કાર્બોસેલનો જથ્થો ઝડપ્યો છે. પ્રાંત અધિકારી તથા ચોટીલા, થાનગઢ અને મુળી મામલતદારોની સંયુક્ત ટીમ ત્રાટકી હતી અને ખનીજનો વિપુલ માત્રાનો જથ્થો જપ્ત કર્યો હતો.
અચાનક દરોડા પડતાં ખનીજ માફિયાઓમાં હપકંપ
તંત્રની ટીમે આસુંદ્રાળી, ખંભાળીયા, વગડીયા અને ઉમરાળા ગામની સીમમાં દરોડા પાડ્યા હતા. જેમાં 30 ચરખી, ત્રણસો ટનથી વધુ કોલસો, પાંચ ટ્રેક્ટર, એક લોડર, ચાર જનરેટર, ચાર કંમ્પ્રેસર, દસ બેટરી, વિસ્ફોટક પદાર્થનું ૨૦૦ નંગનું બોક્સ, ત્રણ બાઇક, ત્રણ મોબાઇલ સહિત દોઢ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પંદરથી વધુ ખાનગી સર્વે નંબરોમાં અનઅધિકૃત ખનીજનું ખનન કર્યું હોય તેવા ખનીજ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીની ટીમના મૂળી પંથકમાં દરોડાથી ખનીજ માફિયાઓમાં હડકંમ્પ મચ્યો છે. દરોડા અંગે હજુ પણ તપાસ ચાલુ છે. તંત્રની ટીમે દોઢ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ આગળની તપાસ હજુ ચાલુ છે.