ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદે તારાજી સર્જી છે. સુરેન્દ્રનગર જીલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે બીજે દિવસે પણ મેઘમહેર યથાવત જોવા મળી હતી. મળતા અહેવાલ પ્રમાણે ભારે વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડીનું ડ્રાઈવર્ઝન પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ડાઈવર્ઝન પાણીમાં ગરકાવ થવાના કારણે ચુડા-સુરેન્દ્રનગર જવાનો રસ્તો બંધ થઈ ગયો છે.
તૂટેલા અને પાણીથી ભરાયેલા ડ્રાઈવર્જનમાંથી પસાર થવું લોકો માટે મજબૂરી
ડાઈવર્ઝન પર વરસાદી પાણી ફરી વળતા આજુબાજુના 40થી વધુ ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ડાઈવર્ઝન પુલ છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલી સ્થિતિમાં છે, પરંતુ તંત્ર દ્વારા ન તો તેનું રિપેરિંગ કરવામાં આવ્યું છે કે ન તો નવો પુલ બનાવવામાં આવ્યો છે. આ બેદરકારીથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
જો કોઈ અકસ્માત કે અન્ય કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?
તૂટેલા અને પાણીથી ભરાયેલા ડ્રાઈવર્ઝનમાંથી પસાર થવું લોકો માટે મજબૂરી બની ગયું છે. તો બીજી તરફ જીવના જોખમો બાળકો, વૃદ્ધો સહિતના ગ્રામજનો અન્ય સ્થળ પર જવા માટે ધસમસતા પ્રવાહમાંથી જવા મજબૂર બન્યા છે. જો કોઈ અકસ્માત કે અન્ય કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?