
તાપી જિલ્લાના શૈક્ષણિક વાતાવરણમાં તણાવ ઊભો થયો છે, જ્યારે જિલ્લા કલેક્ટરે શાળાઓમાં ચોક્કસ ધર્મને આધાર આપતી પ્રવૃત્તિઓ પર રોક લગાવતો પરિપત્ર જાહેર કર્યો છે. શાળાઓમાં ધાર્મિક ન્યુટ્રાલિટી જાળવવા માટે જિલ્લા શિક્ષણ તંત્ર સજાગ બન્યું છે અને આ અંગે વિવિધ સ્તરે તપાસ શરૂ કરાઈ છે. ડોલવણ તાલુકાના હરીપુરા ગામની શાળાની નજીક આવેલ ઈસાઈ સમુદાયના પ્રાર્થના ઘરની સ્થિતિ મામલે થયેલી તપાસમાં જાણવા મળ્યું કે આ પ્રાર્થના ઘર શાળાની સ્થાપના પૂર્વેનું છે. છતાં, લોકોમાં શંકા ઉભી થતા પ્રશાસને સમગ્ર મામલાની વિસ્તૃત તપાસ હાથ ધરી છે.
કડક પગલાં લેવાશે
તપાસ દરમિયાન કેટલાક વિસ્તારોની શાળાઓમાં ધાર્મિક પ્રાર્થના નિયમિત કરાવવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. ખાસ કરીને ધોરણ બેના એક શિક્ષકે આવૃતિપ્રમાણે ઈસાઈ ધર્મની પ્રાર્થના શાળામાં કરાવતો હોવાનું પણ સામે આવ્યું છે. આ પ્રકારની ઘટનાઓને ગંભીરતાથી લેતા તાપી જિલ્લાના અધિક કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે શાળાઓમાં શિક્ષણ સિવાય કોઈ પણ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં નહીં આવે. શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે જો કોઈ શિક્ષક શાળાની અંદર ધર્માંતરણ કે ધાર્મિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાનો પુરાવો મળશે, તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે.
ધાર્મિક ન્યુટ્રાલિટી જાળવવી ફરજિયાત
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પણ સ્પષ્ટ કહ્યું કે તમામ શાળાઓમાં ધાર્મિક ન્યુટ્રાલિટી જાળવવી ફરજિયાત છે અને ભવિષ્યમાં આવી કોઇ ઘટના ફરીથી ન બને તે માટે તમામ શિક્ષકોને માર્ગદર્શન પણ આપવામાં આવશે. સમગ્ર ઘટનાએ શિક્ષણ ક્ષેત્રમાં ધાર્મિક તટસ્થતાની મહત્તા અંગે નવી ચર્ચાઓ શરૂ કરી છે. પ્રશાસન દ્વારા શાળાઓમાં શિક્ષણનું પવિત્ર વાતાવરણ જળવાઈ રહે એ માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.