તાપી જિલ્લામાં સુમુલ ડેરીની ચૂંટણી નજીક આવી રહી હોય તેવા સંજોગોમાં રાજકારણ પણ ગરમાતું જઈ રહ્યું છે. સુમુલ ડેરીના આંતરિક પ્રશ્નો અને રાજકીય હસ્તક્ષેપ વચ્ચે ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ સામસામે આવ્યા છે. ભાજપના માજી મંત્રી તેમજ સુમુલના ડિરેક્ટર કાંતિ ગામીત અને કોંગ્રેસના માજી ધારાસભ્ય સુનિલ ગામીતની હાજરીમાં વ્યારા શહેરના અંબાજી નાકા વિસ્તારમાંથી પશુપાલકોની રેલી કાઢવામાં આવી હતી. આ રેલી કલેક્ટર કચેરી સુધી જઈ પહોંચી હતી, જ્યાં "સુમુલ ડેરીના ચેરમેન અને એમડીને દૂર કરો" ના બેનરો સાથે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.આંદોલન કરતી પશુપાલકોની માંગ છે કે મહિલા મંડળી ને જનરલ મંડળીમાં ફેરવવામાં આવે તેમજ સુમુલ ડેરી સંચાલન અંગે અનેક મુદ્દાઓ પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.સુમુલના દાવેદાર જૂથમાં રાજૂ પાઠકના સમર્થકો પણ સક્રિય જોવા મળ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં ચૂંટણી વધુ ગરમાવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.