
આપણે ત્યાં ગુરુને સૌથી ઉંચો દરજ્જો આપવામાં આવે છે. પરંતુ એ જ ગુરુ ભક્ષક બને ત્યારે લોકોનો વિશ્વાસ ઉઠી જતો હોય છે. આવો જ શિક્ષણ જગતને લાંછન કિસ્સો સોનગઢના ભેંસરોટ ગામમાં બન્યો છે. જ્યાં ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના શિક્ષકે જ વિદ્યાર્થિનીની છેડતી કરી હતી. પોલીસે લંપટ શિક્ષકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અવારનવાર જાતીય સંબંધ બાંધવા માટે માગણી કરતો હતો
પ્રાપ્ત માહિતી પ્રમાણે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ભેંસરોટ ગામમાં ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં મિનેશ પટેલ નામના શિક્ષકે ધોરણ-9માં ભણતી વિદ્યાર્થિનીની છેડતી કરી હતી. અવારનવાર જાતીય સંબંધ બાંધવા માટે માગણી કરતો હતો. એટલું જ નહીં પ્રેમસંબંધ નહીં રાખે તો પોતાના હાથની નસ કાપી નાખવાની ધમકી લંપટ શિક્ષક આપતો હતો.
લંપટ શિક્ષક વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
જોકે, હાલ સમગ્ર મામલે લંપટ શિક્ષક વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.