
અકસ્માતોની સંખ્યામાં રોજે રજ વધારો થઈ રહ્યો છે. ત્યારે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. બાજીપુરા બાયપાસ હાઈવે નંબર 53 પર ભારત પેટ્રોલિયમ પાસે X.C.M.G. કંપનીની ક્રેન (AR 05 A 0487) પાર્ક કરેલી હતી.
ક્રેનને પાછળથી ટક્કર મારી
આ દરમિયાન, કન્ટેનર (GJ 05 CU 9939)ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવતા ક્રેનને પાછળથી ટક્કર મારી હતી, આ અકસ્માતને કારણે કન્ટેનર હાઈવે પર આડું થયું હતું. તે જ સમયે પાછળથી આવી રહેલી ટ્રક (GJ 12 BY 8064) કન્ટેનર સાથે અથડાઈ હતી.
ટ્રક ચાલકને ઈજા
આ અકસ્માતમાં ટ્રકના ચાલકને ડાબા પગમાં ફ્રેક્ચર થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં ક્રેન અને ટ્રકને નુકસાન થયું છે. કન્ટેનરનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થયો છે. વાલોડ પોલીસે ફરાર થયેલા કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.