ગુજરાતભરમાં ભરઉનાળે કમોસમી વરસાદે ભારે કહેર મચાવી છે. ગુજરાતના લગભગ સમગ્ર વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો. ઘણા સ્થળો પર ભારે વરસાદને કારણે તોતિંગ વર્ષો ધરાશાયી થઈ ગયા હતા, ઠેક ઠેકાણે વીજળી ગુલ થઈ જવાની ઘટનાઓ સામે આવી હતી. તોફાની વરસાદને પગલે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
રાજકોટમાં તલ, મગ, અડદ સહિતના પાકને નુકસાન
રાજકોટના કાંગસિયાળી ગામમાં ખેડૂતોને ભારે વરસાદને કારણે ભારે નુકસાની થઈ છે. ગઈકાલે આવેલા પવન સાથે વરસાદના કારણે સીમ વિસ્તારમાં વીજ પોલ ધરાશય થઈ ગયો છે. તલ, મગ, અડદ સહિતના ખેતપાકને પણ મોટું નુકસાન જોવા મળ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે જો વરસાદ ન આવ્યો હોત તો એક લાખ રૂપિયા જેટલું ઉત્પાદન થવાની શક્યતા હતી.
અરવલ્લીમાં કેરીના પાકને ભારે નુકસાન
અરવલ્લીમાં પણ મેઘરાજાએ કહેર વરસાવી છે જેને કારણે ઉનાળુ પાકનું ઉત્પાદન કરતા ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં મોડી રાત્રે વાવાઝોડાએ કહેર મચાવી હતી. ભારે પવન ફૂંકાતા કેરીના પાકને વ્યાપક અસર જોવા મળી છે. આંબાની વાડીઓમાં મોટા ભાગની કેરીઓ ખરી પડી હતી. ખેડૂતને કેરીમાંથી ઉપજ મળવાની આશા પર પાણી ફરી વળ્યાં છે.
સુરત જિલ્લા કલેકટર દ્વારા 24/7 કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યું
સુરતમાં અઠવાલાઇન્સ સ્થિત ડિઝાસ્ટર મેન્જમેન્ટની ઓફિસે જિલ્લા કલેક્ટર દ્વારા કંટ્રોલ શરૂ કરાયો છે. ભારે વરસાદની આગાહી અને આગામી વાવાઝોડાની શક્યતાના પગલે સુરત જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. અઠવાલાઇન્સ સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરીએ આ કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. જ્યાં સતત અધિકારીઓ સ્ટેટ ઇમર્જન્સી કંટ્રોલ કચેરી સાથે સંપર્કમાં છે. જે તમામ નાની મોટી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપી છે. તલાટી અધિકારીઓ પણ સંપર્કમાં છે.
ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો
તોફાની પવન સાથે વાદળોની ફોજથી જંબુસર ઘેરાયું હતું. વાવાઝોડા સાથે પવન ફુંકાતા જંબુસર પંથકમાં ઠેર ઠેર વૃક્ષો પણ ધરાસાઈ થયા હતા. રાત્રિના સમયથી જ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ જગતનો તાત ચિંતામાં મુકાયો છે. કમોસમી વરસાદને લઈ ઉનાળા પાકમાં ખેડૂતોને વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ભારે પવન ફુકાતા વીજ પુરવઠો ડૂલ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સુરેન્દ્રનગરમાં તોફાની પવન સાથે વરસાદથી ભારે નુકસાન
ભારે પવન સાથે વરસાદથી વૃક્ષો ધારાશાહી થયા હતા. શહેરી વિસ્તારોમાં રોડ ઉપર પાર્ક કરેલી કાર ઉપર વૃક્ષો પડતા ભારે નુકસાન થયું હતું. શહેરી વિસ્તારોમાં ભારે ભવનથી અલગ અલગ વિસ્તારોમાં વિજપોલ તૂટી ગયા હતા. કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
તંત્રનો પ્રિ - મોન્સૂન પ્લાન નિષ્ફળ નિવડ્યો હતો. ટાવર ચોક મહાનગરપાલિકા કલેકટર ઓફિસ ધોબી સોસાયટી કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. સરકારી અનાજ સંગ્રહ કરવાના ગોડાઉનના પતરા તૂટી ગયા જેથી અનાજને નુકસાન પહોંચ્યું છે.
જામનગરમાં યાર્ડ બંધ કરાતા ખેડૂતોની આવક પર માઠી અસર
ગુજરાત સહીત જામનગરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર હાપા યાર્ડમાં વરસાદને લઈને તૈયારી કરવામાં આવી છે. હાપા યાર્ડમાં ખેડૂતો માટે આવક બંધ કરવામાં આવી છે. આગામી સૂચના માળે ત્યાં સુધી હાપા યાર્ડમાં જણસ ન લાવવા સૂચના અપાઈ હતી.