
વડોદરા ખાણ ખનીજ વિભાગ કચેરીમાં 2 લાખની લાંચ લેતા બે અધિકારીને ACBએ ઝડપી પાડ્યા હતા. આ ઘટનામાં વડોદરા ખાણ ખનીજ વિભાગ કચેરીના 4 અધિકારી આરોપી બન્યા છે. બે લાખની લાંચના કેસમાં આખી ઓફિસનો સ્ટાફ આરોપી બન્યો હતો. રેતીના સ્ટોક કરવા કરેલી ઓનલાઇન અરજી મંજૂર કરવા માટે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ લાંચ માંગી હતી.
બનાવની વિગતો જોઇએ તો આ કામના ફરીયાદીએ ખાણ ખનીજ વિભાગ, વડોદરા ખાતે રેતીનો સ્ટોક કરવા અંગેની ઓનલાઇન અરજી કરી હતી. જે અરજીના કામે આ કામના આરોપી નંબર-1 યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ, સિનિયર ક્લાર્ક ખાણ ખનીજ વિભાગ કોઠી કચેરી, વડોદરાને મળ્યા હતા.જે ફરીયાદીની અરજી મંજુર કરવાના કામે કચેરીના તમામ સ્ટાફે વ્યવહાર પેટે 2 લાખની લાંચની માંગણી કરી હતી. જે લાંચની માંગણીની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય તેમની ફરીયાદના આધારે 12 મેએ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કામના આરોપી યુવરાજ સિંહ ગોહિલ ફરીયાદીને લાંચની રકમ લઇ પ્રેમાવતી રેસ્ટોરન્ટ,BAPS હોસ્પિટલ, વડોદરા ખાતે બોલાવ્યા હતા. જ્યાં આરોપી યુવરાજ સિંહ ગોહિલે ફરિયાદી પાસેથી રૂબરૂ હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી સ્વીકારતા પકડાઇ ગયા હતા. આ કામના ચારેય આરોપી યુવરાજસિંહ ગોહિલ, રવિકુમાર મિસ્ત્રી, કીરણભાઇ પરમાર અને સંકેતભાઇ પટેલ, રોયલ્ટી ઇંસ્પેક્ટર મોબાઇલ ઉપર લાંચ લેવા અંગેની સંમત્તિ આપી એકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યો હતો.