
ગુજરાતભરમાંથી સરકારી પદનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ ઝડપાય છે. એવામાં ફરી ભાવનગરમાંથી પોલીસ સહિત ચાર લોકો લાંચ લેતા ઝડપાયા છે. ભાવનગર જિલ્લામાં મહુવામાં એન્ટિ કરપ્શન બ્યુરોની મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં પોલીસ કર્મચારી સહિત ચાર લોકો લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. સમગ્ર મામલે જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી.
એસીબીની ટ્રેપમાંથી ASI અશોકભાઈ ડેર ફરાર
મળતી માહિતી પ્રમાણે, આ ઘટના મહુવાના વાસીતળાવ પોલીસ ચોકી પાછળ બની હતી જેમાં મહુવા પોલીસ સ્ટેશનના ASI અશોકભાઈ રામભાઈ ડેર સહિત ચાર લોકોએ લાંચ માંગી હતી. ફરિયાદીએ એચડીએફસી બેંકમાંથી લોન લીધી હતી, જેના હપ્તા ભરી ન શકતા બેંકે નોટિસ મોકલી હતી. ASI અશોકભાઈ ડેરે ફરિયાદીને વોરંટનો ડર બતાવીને 25,000 રૂપિયાની લાંચ માંગી હતી. જેને પગલે, એસીબીએ ટ્રેપ ગોઠવી અને આરોપીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. જો કે, એસીબીની ટ્રેપમાંથી ASI અશોકભાઈ ડેર ફરાર થઈ ગયા છે.