
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના ગંભીરા ગામને જોડતો તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથેનો સંપર્ક ધરાવતા મહી નદી પરના બ્રિજ પરના બે પિલર વચ્ચેનો સ્પાન બુધવારે સવારે ધડાકાભેર તૂટીને નદીના વહેતા પાણીમાં પડયો હતો.
લાપતા લોકોની શોખખોળ યથાવત
આ સાથે બે ટ્રક સહિતના અડધો ડઝન જેટલા વાહનો પણ નદીમાં પડતાં 15 વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતાં. તો બીજી તરફ દુર્ઘટના પછી કેટલાક લોકો હજુ લાપતા છે, તેમની શોધખોળ ચાલી રહી છે. હજુ પણ મોતનો આકડો વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
કાટમાળ નીચે લોકો દટાયા હોવાની સંભાવના
વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો મહી નદી પરનો ગંભીરા બ્રિજ તરીકે ઓળખાતો આ બ્રિજ ૪૦ વર્ષ જૂનો છે અને ખખડધજ થઇ ગયો હતો. તેના સ્ટ્રક્ચરનું રિપેરિંગ કામ સમયાંતરે થતું હતું. ગત રોજ સવારે 7.00 વાગ્યાની આસપાસ આ બ્રિજ પરથી અનેક વાહનો પસાર થતા હતા ત્યારે ત્રણ અને ચાર નંબરના પિલરની વચ્ચેનો આશરે ૨૦ મીટર લાંબો સ્પાન ધડાકાભેર અચાનક ધરાશાયી થતા મોટો બ્રિજ બે ભાગમાં વહેંચાઇ જતા મોટી દુર્ઘટના બની હતી. બ્રિજ પરનો મોટો સ્પાન તૂટી પડતાં બે ટ્રક, એક ઇકો ગાડી, સીએનજી રિક્ષા અને એક બોલેરો પિકઅપ ઉપરથી આશરે ૧૮ મીટર નીચે નદીના વહેતા પાણીમાં ખાબક્યા હતાં.
કલેકટર અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓ સવારે જ ઘટનાસ્થળે પહોંચી ગયા
બીજી તરફ વહેલી વહેલી સવારથી જ NDRF સહિતની બચાવ ટુકડીઓ દ્વારા શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી છે. કલેકટર અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓ સવારે જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મહેસૂલી તંત્ર અને પોલીસની ટીમોએ અહી રાતભર પડાવ નાખ્યો હતો.એનડીઆરએફ દ્વારા થયેલા સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. જેને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા આજે સવારે સ્થળ મુલાકાત કરવામાં આવી છે. આ ઉપરાંત તૂટી પડેલા ભાગને જરૂર પડે તો તોડવાની કાર્યવાહી કરવા માટે કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી છે.