
વડોદરાની GIPCL કંપનીને ધમકી ભર્યો મેઈલ મળતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ મેઈલનું કનેક્શન શોધવા સાયબર સેલની મદદ લેવામાં આવી છે. વડોદરા જિલ્લામાં રણોલી નજીક ધનોરા ખાતે આવેલી પાવર કંપની જીઆઈપીસીએલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેલ મળતા કંપનીના અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી. જેને પગલે ડીસીપી તેમજ અન્ય અધિકારીઓ બોમ્બ સ્કવોડને લઈ કંપનીએ પહોંચ્યા હતા.
કંપનીના જુદા-જુદા વિભાગોમાંથી કર્મચારીઓને બહાર મોકલી ચેકિંગ કર્યા બાદ કાંઈ હાથ ન લાગતા પોલીસે રાહતનો દમ લીધો હતો. અગાઉ શહેરની સ્કૂલોને મળેલા ધમકી મેલની જેમ આ મેઈલનું કનેક્શન પણ ચેન્નઈ તરફ ખુલ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
કંપનીના ઉચ્ચ અધિકારીના માણસને આ મેઈલ મળ્યો હતો
મળતી માહિતી પ્રમાણે, કંપનીના ઉચ્ચ અધિકારી એવા એમ.ડી.ના પીએને ધમકીભર્યો મેઇલ મળ્યો હતો. અજાણ્યા શખ્સ દ્વારા મેઇલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાતા કંપનીમાં ભયનો માહોલ સર્જાયો હતો.
વડોદરાની GIPCL કંપનીમાં થર્મલ, રીન્યુએબલ અને માઇન્સનું પ્રોડક્શન થાય છે. તેમજ સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ પણ કંપનીમાં છે. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ કંપનીમાં તપાસ માટે પહોંચી હતી. SOG, ક્રાઈમ બ્રાન્ચ, PCB, સ્થાનિક પોલીસ સહિતનો સ્ટાફ કંપનીમાં પહોંચ્યો હતો. તેમજ બૉમ્બ સ્કવોડની ટીમ પણ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.