
વડોદરાના એક દંપતી અને તેમના દીકરાએ મળીને લોકો સાથે કુલ 2.52 કરોડની ઠગાઈ આચરી હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઠગ પરિવારે ગાંધીનગરના કલોલ ખાતે રહેતા એક યુવક સાથે પણ 20 લાખની છેતરપિંડી કરી હતી. આ પરિવારે શેર માર્કેટમાં રોકાણથી વધુ નફો અને કેનેડાના વિઝા આપવાની લાલચ આપીને યુવક પાસેથી 20 લાખ સેરવી લીધા હતા, જેમાં શેર માર્કેટના નામે રૂ. 4.85 લાખ અને કેનેડાના વિઝા માટે 15 લાખનો સમાવેશ થાય છે.
યુવકે જ્યારે પોતાના રૂપિયા પરત માગ્યા, તો ઠગ પરિવારે માત્ર 13 લાખ પરત કર્યા અને બાકીની રકમ આપવાનો ઇનકાર કર્યો. આ ઘટના વર્ષ 2018થી વર્ષ 2021 દરમિયાન બની હતી, જેમાં આ પરિવારે સતત છેતરપિંડી આચરી હતી. આખરે, યુવકે આ ઠગ દંપતી અને તેમના દીકરા સામે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.