
રાજ્યમાં સતત આપઘાતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં એક પછી એક ચાર વિદ્યાર્થીઓએ આપઘાત કરતાં ચકચારી મચી જવા પામી છે. હાલમાં મળતી માહિતી મુજબ મેડિકલના 22 વર્ષીય વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરાના વાઘોડીયા વિસ્તારમાં ફાર્મસીનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં સોપો પડી ગયો છે. હેત બારીયા નામના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો છે. હજુ સુધી મોતનું કારણ અકબંધ છે.
પાણીગેટ પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો
ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. હાલમાં વિદ્યાર્થીના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે હાલ આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માજલપુરમાં યુવાને બેકારીના કારણે ગટગટાવી હતી ઝેરી દવા
માંજલપુર વિસ્તારમાં રહેતા 24 વર્ષના યુવકે બે વર્ષ અગાઉ શહેર નજીકની એક યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો હતો. છેલ્લા બે વર્ષથી તે નોકરીની શોધમાં હતો. પરંતુ, તેને નોકરી મળતી નહીં હોવાના કારણે ડિપ્રેશનમાં આવી ગયો હતો. છેલ્લા એક વર્ષથી મનોચિકિત્સક પાસે તેની સારવાર ચાલતી હતી. ડિપ્રેશનના કારણે દવા પી લીધી હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જે અંગે માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવકના પિતા સિવિલ કોન્ટ્રાક્ટર છે.