વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાની પલસન ગામમાં મોડેલ ગુજરાતની કેટલીક એવી તસવીરો સામે આવી છે જે દરેકને વિચારવા મજબૂર કરી દેશે. અહીંના ગ્રામજનો કહે છે કે જો તમારે જીવન જીવવું હોય તો તરવું જરૂરી છે. એક ટાયર ટ્યુબ વસાવી જરૂરી છે. અહીંના લોકો વર્ષોથી ટાયર ટ્યુબની મદદથી દમણગંગા નદી પાર કરવા મજબૂર છે. અહીંના લોકો સરકારને તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે વિનંતી કરી રહ્યા છે.
પુલ ન હોવાથી હાલાકી
વલસાડના કપરાડા તાલુકાના નાની પલસન ગામની ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યાં છે. ગામમાંથી વહેતી દમણ ગંગા નદી પર પુલ ન હોવાને કારણે ગ્રામજનોને પોતાનો જીવ જોખમમાં મૂકીને નદી પાર કરવી પડે છે. ગામમાં 117 લોકોની વસ્તી નદીના પેલે પાર છે. જે નદીની બીજી બાજુ રહે છે. ગામ બે ભાગમાં વહેંચાયેલું છે. એક છેડાથી બીજા છેડા સુધી જવા માટે લોકોને હવા ભરેલી ટાયર ટ્યુબનો સહારો લેવો પડે છે. રોજિંદા કામ હોય, કામ પર જવું હોય કે દુકાને પહોંચવું હોય. નદી પાર કરવી દરેક વખતે એક પડકાર બની ગઈ છે. સ્થાનિક લોકો લાંબા સમયથી નદી પર પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
વિદ્યાર્થીઓને 3 મહિનાની રજા
સ્થાનિક લોકોનું કહેવું છે કે, વરસાદની ઋતુમાં પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે. જેના કારણે જીવનું જોખમ વધે છે. શાળાએ જતા બાળકો તો 3 મહિના સુધી શાળાએ પણ જતા નથી. કારણ કે વાલીઓ બાળકોનું જોખમ લેતા નથી. તો બીજી તરફ ગામલોકોના ખેતર નદીને પેલે પાર આવેલા છે. ત્યાં દરરોજ ખેતી માટે પણ જવું પડતું હોય છે. મેડિકલ ઇમરજન્સી હોય અથવા કોઈ બીમાર પડે કે કોઈનું મૃત્યુ થાય તો પણ આજ રીતે ટ્યુબો બાંધી લઇ જવું પડે. ગામની આ હકીકતથી તંત્ર અને નેતાઓ પણ જાણકાર છે. છતાં અહીં કોઈ ફરકતું નથી.
માંગ કરવા છતાં પરિણામ નહીં
અહીના સરપંચનું કેહવું છે કે, ઘણા સમયથી આ જગ્યાએ અમે બ્રિજની માંગ કરી રહ્યા છીએ. અહીં એક કોઝ વે બનાવવામાં આવ્યો છે. જેની જરૂર નહોતી. તંત્રને અહીંના ગામ લોકોએ વાસ્તવિકતા જણાવી હતી. છતાં અહીં બે કરોડના ખર્ચે ચેક ડેમ બનાવ્યો. જેના બદલે બ્રિજ બનાવવામાં આવ્યો હોત તો વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ આવી ગયું હોત. પરંતુ બેજવાબદાર તંત્રના અધિકારીઓએ અહીં મૂર્ખતા બતાવી ગામ લોકોને વધુ મુશ્કેલી ઉભી કરી છે. ત્યારે અહિં જ ગામ લોકોની બ્રિજ અને રસ્તાની માંગ ક્યારે પુરી થશે. તેની ગામ લોકો કાગા ડોળે રાહ જોઈ રહ્યા છે.