
ગુજરાત માટે વર્ષ 2025ના ભારે હોય અવુ લાગે છે. વર્ષ 2025ના 7 મહિનામાં જ ગુજરાતમાં મોટી દુર્ઘટનાઓ સામે આવી છે, જેમાં અનેક લોકોનો મોત નિપજ્યાં છે. આ ઘટનાઓને પગલે સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું છે. ગુજરાતમાં સર્જાયેલી મોટી દુર્ઘટનામાં વડોદરાના પાદરમાં બ્રિજ તૂટી પડવાની ઘટના, અમદાવાદ પ્લેન ક્રેશ અને ડીસા અગ્નિકાંડનો સમાવેશ થાય છે.
પાદરા- જાંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટ્યો
વડોદરાના પાદરામાં આજે 9 જૂલાઈએ ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે, જેના કારણે અનેક વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તમને જણાવી દઈએ કે મહીસાગર નદી પર ગંભીરા બ્રિજ આવેલો છે. આ બ્રિજ આણંદને વડોદરાથી જોડે છે. વર્ષો જૂનો બ્રિજ લાંબા સમયથી જર્જરિત હતો. જેના કારણે તંત્રને અનેક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તંત્ર આંખ આડા કાન કરતું હતું. તંત્ર માત્ર બ્રિજનું સમારકામ કરી સંતોષ મનાતું હતું. હાલ આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા, ભરૂચ, અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે
અમદાવાદ પ્લેન ક્રેશ
12 જૂન 2025 ના રોજ અમદાવાદમાં ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી, જેણે આખા દેશને હચમચાવી નાખ્યો હતો. અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171, ટેકઓફના થોડા જ સેકન્ડ પછી બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ પર ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત 270 લોકો મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું પણ મોત નિપજ્યું હતું.
ડીસા અગ્નિકાંડ
1 એપ્રિલના રોજ ડીસા GIDCમાં આવેલા દીપક ટ્રેડર્સના ફટાકડા ગોડાઉનમાં એક જોરદાર ધડાકો થયો. આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે ગોડાઉનનું આખું માળખું ધરાશાયી થઈ ગયું અને આગની જ્વાળાઓએ આખા વિસ્તારને ઘેરી લીધો. ફટાકડાના મોટા જથ્થાને કારણે આગ ઝડપથી ફેલાઈ, જેના લીધે ત્યાં કામ કરતા શ્રમિકોને બચવાની કોઈ તક ન મળી. આ ઘટનામાં 21 શ્રમિકોના મોત નિપજ્યાં હતાં.