
અમદાવાદના નરોડા વિસ્તારમાંથી એક યુવકને બારબોરની બંદૂક અને 10 જીવતા કાર્ટિઝ સાથે ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી પાસે રહેલું હથિયારનું લાઈસન્સ પણ બનાવટી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ નિવેદન આપ્યું છે કે, તેણે ઉત્તરપ્રદેશના ઇટા જિલ્લામાંથી તેના મિત્રના મારફતે આ લાઇસન્સ માત્ર રૂપિયા 60,000માં બનાવડાવ્યું હતું.
આરોપીનો ઉદ્દેશ સિક્યુરિટી ગાર્ડ બનવાનો હતો
ધરપકડ કરાયેલા આરોપીનું નામ અબ્બલસિંહ ચોખેલાલ યાદવ હોવાનું ખુલ્યું છે. આરોપીએ પોતાનું ભવિષ્ય સુરક્ષા ક્ષેત્રે બનાવવા માટે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેના માટે તેણે હથિયાર અને તેનું લાઈસન્સ હોવું જરૂરી હતું. આ જરૂરીયાતને આધારે તેણે ઉત્તરપ્રદેશના ઇટા જિલ્લામાં રહેલા એક ઓળખીતાના મારફતે બનાવટી હથિયારનું લાઈસન્સ બનાવડાવ્યું હતું.
નાગાલેન્ડ બાદ ઉત્તરપ્રદેશથી પણ રેકેટનો પર્દાફાશ
પોલીસ તપાસ દરમિયાન વધુ એક ચિંતાજનક તથ્ય સામે આવ્યું છે કે અગાઉ નાગાલેન્ડથી આવી પ્રકારની બનાવટી લાઇસન્સની પ્રવૃતિઓ સામે આવી હતી અને હવે ઉત્તરપ્રદેશમાંથી પણ આવો જ રેકેટ ચાલી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. નરોડા પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી પાસેથી મળેલ માહિતીના આધારે અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
પોલીસ દ્વારા કાયદેસર પગલાં
નરોડા પોલીસે IPC તથા હથિયાર કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે અને હાલ આરોપીની પૂછપરછ શરૂ કરી છે. આરોપી કઈ રીતે અને ક્યાંથી હથિયાર લાવ્યો, લાઈસન્સ કેવી રીતે અને કોણ મારફતે બનાવાયું તે અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.