
સુરતના વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જમ્મુ કાશ્મીરના પહલગામમાં મૃત્યુ પામેલા આત્માઓને શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તા. 22, એપ્રિલ, 2025, મંગળવારે બપોરે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકો માર્યા ગયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે.
વિદ્યાર્થીઓ સાથે સંતો જોડાયા
મૃતકોમાં યુપી, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓ હતા. નેપાળ અને યુએઈના એક-એક પ્રવાસી અને બે સ્થાનિક લોકો પણ માર્યા ગયા છે. ખુશી અને આનંદના માહોલમાં વિહરતા પ્રવાસીઓ એકાએક મોતના મુખમાં હોમાયા. પહેલગામમાં મૃત્યુ પામેલા મૃતાત્માઓને ભગવાન શ્રી સ્વામિનારાયણ શાંતિ પ્રદાન કરે અને એમના પરિવાર ઉપર સ્વજનોને ગુમાવવાથી આવી પડેલ દુઃખને સહન કરવાનું વિશેષ બળ પ્રદાન કરે, ઘાયલોને જલ્દીથી શારીરિક સુખાકારી પ્રાપ્ત થાય એવી પ્રાર્થના આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય વેડરોડ સુરતના સંતો પ્રભુ સ્વામી, ભક્તિતનય સ્વામી, સ્મરણ સ્વામી, શુકમુની સ્વામી, વંદન સ્વામી, નિર્મળ સ્વામી વગેરે સંતોએ તથા વિદ્યાર્થીઓએ કરી હતી.
ધૂન તથા જનમંગલના પાઠ કરાયા
નીલકંઠ હવેલીમાં ૧૨૫ ઉપરાંત બાળ બ્રહ્મચારી બાળકોએ સફેદ ધોતી પહેરી અને પીળી શાલ ઓઢીને ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં ધૂન તથા જનમંગલ સ્તોત્રના ૧૦૮ મંત્રોના ગાન સાથે હાથમાં ધીના દીપ જલાવી નત મસ્તકે પ્રાર્થના કરી, વ્યથિત હૃદયે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.