
અમદાવાદમાં 27 જુને ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફૂટ પેટ્રોલિંગ કરી સમીક્ષા કરી હતી.હર્ષ સંઘવીએ કહ્યું કે, અમદાવાદમાં 148મી રથયાત્રામાં સંપૂર્ણ વ્યવસ્થા ગુજરાત પોલીસ, અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે અને આ વ્યવસ્થાને દર વર્ષે વધુમાં વધુ ટેકનોલોજી જોડે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
દેશમાં પ્રથમ વખત AI ટેકનોલોજી દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટ કરાશે
હર્ષ સંઘવીએ રથયાત્રામાં ટેકનોલોજીના ઉપયોગ વિશે વાત કરતા જણાવ્યું કે, ગત વર્ષે થ્રીડી મેપિંગ ડેવલપ કરવામાં આવ્યું હતું. આ વર્ષે તેમાં ઉમેરો કરવામાં આવ્યો છે અને થ્રીડી મેપિંગના ગ્રાફના આધારે બંદોબસ્ત સેટ કરવામાં આવ્યો છે.લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જ્યારે ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે આવતા હોય ત્યારે કોઇ પણ પ્રકારનું સ્ટેમ્પેડ ના થાય તે માટે વધુમાં વધુ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ટેકનોલોજીનો ઉપયોગ એક સ્ટેપ વધારે કરવામાં આવ્યો જે દેશમાં પહેલીવાર આ પ્રકારની મેસ્સીવ જનસંખ્યા હાજર રહેવાની હોય ત્યા AI ટેકનોલોજીના આધારે ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થાનો કાલે પહેલીવાર દેશમાં ઉપયોગ થવા જઇ રહ્યો છે. ડ્રોન ટેકનોલોજી, ડ્રોનની અંદર AI ટેકનોલોજીના એનાલિટિક્સ ઉમેરવામાં આવ્યા છે. આ સિવાય રથયાત્રા રૂટ પર 3500 જેટલા કેમેરા છે તેમાં 227 સરકારના અલગ અલગ વ્યવસ્થાના કેમેરા છે. આ સિવાય અમદાવાદ શહેર પોલીસે ઉત્તમ પ્રયાસ કરી નાગરિકોને સાથે રાખી વધુમાં વધુ કેમેરા લગાવવામાં આવ્યા છે. 2872 બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ, 240 ધાબા પોઇન્ટ છે. 25 વોચ ટાવર લાઇવ મોનિટરિંગ હશે.
રથયાત્રાના 16 કિલોમીટરના રૂટમાં 23 હજાર જવાનો ખડેપગે
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, અમદાવાદની રથયાત્રાનો રૂટ 16 કિલોમીટરનો હોય છે. IG કક્ષાથી લઇને વિવિધ કક્ષાના અધિકારીઓથી લઇ પોલીસ કોન્સ્ટેબલ સુધી 23884 જવાનો રથયાત્રાની વ્યવસ્થામાં છેલ્લા અનેક દિવસોથી રાત-દિવસ એક કરીને અમદાવાદના ભક્તજનો માટે આ વ્યવસ્થા કરી રહ્યાં છે.
આ રથયાત્રા રૂટ પર 484 જેટલા જર્જરીત મકાનો કે પછી જે મકાન ભયજનક હોય તેવા મકાનોને સીલ મારવામાં આવ્યા છે. મકાન સીલ મારવાની સાથે હોમગાર્ડના જવાનો, પતરાથી દરવાજા બ્લોક કરવાની વ્યવસ્થા અમદાવાદ મહાનગર પાલિકા અને શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે.
આ રથયાત્રામાં છેલ્લા અનેક વર્ષથી વધુમાં વધુ ભાઇચારો, સોશિયલ પોલિસીંગના માધ્યમથી લોકોને વધુમાં વધુ લોકોને નજીક કરવાનું રથયાત્રા કારણ બન્યું છે. રથયાત્રામાં બધાય સમુદાયોની ક્રિકેટ મેચથી લઇને બ્લડકેમ્પથી લઇને અમદાવાદ શહેર પોલીસની મહિલા અધિકારીઓ દ્વારા આ 16 કિલોમીટરની આસપાસના વિસ્તારોમાં મહિલા બેઠકોની પણ અસર રથયાત્રા દરમિયાન મહિલાઓનું પણ ઇન્વોલવમેન્ટ વધ્યુ છે.