
પૂપ એટલે કે મળ! ફક્ત સાંભળવાથી જ તમારો મૂડ બગડી જાય છે ને? પણ આ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. યુકેમાં ડૉક્ટરો તેના દ્વારા સારવાર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તેઓ પૂપ પિલ્સ (Poop Pills) એટલે કે મળમાંથી દવા બનાવી રહ્યાં છે. જો કે, આ દવા મળના સ્વસ્થ ભાગમાંથી બનાવવામાં આવશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેનાથી આપણાં આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. તેના દ્વારા સારા બેક્ટેરિયા પેટમાં મોકલવામાં આવશે, જે એન્ટિબાયોટિક પ્રતિકારને દૂર કરવામાં પણ મદદ કરશે.
એક અહેવાલ અનુસાર, બ્રિટિશ વૈજ્ઞાનિકો આ દવાના ટ્રાયલમાં વ્યસ્ત છે. આ સારવારને વૈજ્ઞાનિક ભાષામાં ફેકલ માઇક્રોબાયોટા ટ્રાન્સપ્લાન્ટેશન (FMT) કહેવામાં આવે છે. તાજેતરમાં લંડનની ગાય્સ અને સેન્ટ થોમસ (Guy's snd St.Thomas') હોસ્પિટલમાં 41 લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આ દર્દીઓને બે જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. આ બધા દર્દીઓ તાજેતરમાં જ એક ચેપમાંથી સાજા થયા હતા જે દવાઓ,ખાસ કરીને એન્ટિબાયોટિક્સનો કોઈ ખાસ અસર થતો ન હતો.
એક જૂથને ત્રણ દિવસ માટે પૂપ પિલ્સ આપવામાં આવી હતી જ્યારે બીજા જૂથને અન્ય દવા આપવામાં આવી હતી. એક મહિના પછી, જે દર્દીઓને પૂપ પિલ્સ આપવામાં આવી હતી તેમના પેટમાં સારા બેક્ટેરિયાની હાજરી જોવા મળી. આનાથી જાણવા મળ્યું કે પૂપ પિલ્સે માત્ર સારા બેક્ટેરિયાની સંખ્યામાં વધારો નથી કર્યો નથી પરંતુ ખરાબ બેક્ટેરિયાને પણ દૂર કર્યા છે જે સામાન્ય રીતે એન્ટિબાયોટિક્સથી નથી મરતાં.
આ અભ્યાસનું નેતૃત્વ કરી રહેલા મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. બ્લેર મેરિક અનુસાર આ પરિણામો ખૂબ જ સારા છે. બેક્ટેરિયા વિશે લોકોના વિચારો ધીમે ધીમે બદલાઈ રહ્યા છે. લોકો સમજવા લાગ્યા છે કે બધા બેક્ટેરિયા ખરાબ નથી હોતા. પહેલા તેઓ દરેક બેક્ટેરિયાને ખરાબ માનતા હતા. પણ હવે એવું નથી.
પૂપ પિલ્સ કેવી રીતે બને છે?
સ્ટૂલ બેંકમાંથી સ્વસ્થ દાતાઓ પાસેથી મળના નમૂના લેવામાં આવે છે. આ નમૂનાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. તેમાં રહેલા ફાયદાકારક બેક્ટેરિયાને અલગ કરવામાં આવે છે. ખરાબ અને હાનિકારક બેક્ટેરિયા દૂર થાય છે. ત્યારબાદ તેને ફ્રીઝમાં સૂકવીને પાવડર બનાવવામાં આવે છે. આ પછી તેને કેપ્સ્યુલમાં ભરવામાં આવે છે.
પૂપ પિલ્સ કેવી રીતે કામ કરે છે?
દવા એક કેપ્સ્યુલમાં ભરીને દર્દીને આપવામાં આવે છે. આ કેપ્સ્યુલ્સ મોં દ્વારા પેટમાં પહોંચે છે અને આંતરડામાં સારા બેક્ટેરિયા છોડે છે. પ્રારંભિક પરીક્ષણો દર્શાવે છે કે આ ગોળીઓ આંતરડામાં સારા બેક્ટેરિયા ભરે છે. આનાથી ખરાબ બેક્ટેરિયાની (સુપરબગ્સ) સંખ્યા ઓછી થાય છે.
શરૂઆતના સંશોધનમાં, આ સારવાર લીવર રોગ જેવા ઘણા રોગોમાં ખૂબ ફાયદાકારક સાબિત થઈ છે. એવો દાવો કરવામાં આવે છે કે ભવિષ્યમાં તેનો ઉપયોગ ફિટનેસ સુધારવા અને વૃદ્ધત્વની અસરો ઘટાડવા માટે થઈ શકે છે.
નોંધનીય છે કે, એન્ટિબાયોટિક પ્રતિકાર એક ગંભીર સમસ્યા છે. આના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે. એવો અંદાજ છે કે જો કોઈ અસરકારક સારવાર ન મળે તો તે 2050 સુધીમાં વિશ્વભરમાં 39 મિલિયન લોકોના મોતનું કારણ બની શકે છે. તે જ સમયે, જો ભવિષ્યમાં પૂપ પિલ્સના પરિણામો સારા રહેશે,તો તે સારવારમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે.