Home / World : America itself lost $82 billion due to reciprocal tariffs: Trump's strategy backfired

રેસિપ્રોકલ ટેરિફના કારણે અમેરિકાને જ 82 અબજ ડૉલરનું નુકસાન : ટ્રમ્પની વ્યૂહરચના ઉલટી પડી

રેસિપ્રોકલ ટેરિફના કારણે અમેરિકાને જ 82 અબજ ડૉલરનું નુકસાન : ટ્રમ્પની વ્યૂહરચના ઉલટી પડી

Donald Trump News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળવાની સાથે જ રેસિપ્રોકલ ટેરિફના નામે રાજકીય અને આર્થિક પાસા ફેંકીને આખા વિશ્વના નાણાકીય બજારોને હચમચાવી નાખ્યા હતા, પરંતુ હવે તેમના ટેરિફના આ જ પાસા ઉલ્ટા પડી રહ્યા છે. તેના લીધે અમેરિકાને ગણતરીના દિવસોમાં 82.3  અબજ ડોલરનો ફટકો પડી ચૂક્યો છે. ટ્રમ્પ આ પ્લાન પર આગળ વધતા જશે તો આ આંકડો પણ વધતો જશે.બીજી બાજુ ટ્રમ્પે તેની ધાકધમકી ચાલુ રાખી છે. તાજેતરમાં જ ટ્રમ્પે એક એવા બિલને ટેકો આપ્યો છે જેમાં રશિયા સાથે ધંધો કરતા દેશો પર 500 ટકા ટેરિફ નાંખવાની ચેતવણી અપાઈ છે. આ દેશોમાં ચીન અને ભારતનો પણ સમાવેશ થાય છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમેરિકા એક ઇકોનોમિક બ્લેક હોલમાં જઈ રહ્યુ હોવાનો દાવો

આમ ટ્રમ્પે અમેરિકન પ્રમુખ તરીકે શાસન સંભાળતાની સાથે જ લીધેલા પગલાંના કારણે અમેરિકાને આર્થિક અરાજકતા ભણી ધકેલી દીધું છે અને અમેરિકા એક ઇકોનોમિક બ્લેક હોલમાં જઈ રહ્યુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.આમ ટ્રમ્પની હાલની નીતિઓ ચાલુ રહી તો અમેરિકાનો કારોબાર આગામી વર્ષોમાં તળિયે જ જશે.

અમેરિકન કંપનીઓને 82.3 અબજ ડોલરના પડેલા ફટકાની ગણતરી બીજી એપ્રિલના રોજના દસ ટકાના દરે ગણવામાં આવી છે. હવે જો અગાઉના દરે એટલે કે 25 ટકાના દરે ગણતરી કરવામાં આવે તો આ ફટકો સીધો 187.3 અબજ ડોલરમાં પડે. તેથી હવે જો ટ્રમ્પ નવમી જુલાઈ પછી તેની નીતિ ચાલુ રાખે તો અમેરિકન અર્થતંત્ર મોટું ઇકોનોમિક બ્લેકહોલ બની જશે તેવો ડર સેવાઈ રહ્યો છે. 

જેપી મોર્ગન ચેઝ દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું 

ટ્રમ્પના શાસનને છ મહિના પૂરા થવા આવ્યા ત્યારે તેની આર્થિક નીતિનું વિશ્લેષણ કંઈ રશિયા કે ચીને કર્યુ નથી પણ જેપી મોર્ગન ચેઝ જેવી પ્રતિષ્ઠિત ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મ દ્વારા કરવામાં આવ્યું છે. ટ્રમ્પે અમેરિકન કંપનીઓ માટે સર્જેલી આર્થિક હોનારતના કારણે એક કરોડ ડોલરથી એક અબજ ડોલરની વાર્ષિક આવક ધરાવતી કંપનીઓને મોટાપાયા પર ફટકો પડયો છે. તેનું કારણ એ છે કે આ કંપનીઓ ભારત, ચીન અને થાઇલેન્ડ સાથે મોટાપાયા પર વ્યાપાર કરે છે. તેની સાથે અમેરિકાના કુલ વર્કફોર્સમાં ત્રીજો હિસ્સો આ કંપનીઓમાં કામ કરે છે. તેમા રિટેલ અને હોલસેલ સેક્ટર પર સૌથી વધુ અસર પડી છે. 

અમેરિકન કંપનીઓએ આ ફટકાને પહોંચી વળવા ભાવવધારો, છટણી, નવી ભરતી અટકાવી કે નફાકીય માર્જિનમાં ઘટાડો કરવો પડશે.. ઉલ્લેખનીય છે કે ચીન સામે પ્રતિબંધો લગાવનારા ટ્રમ્પે પછી તેની સાથે નાકલીટી તાણીને ડીલ કરવું પડયું છે, કેમકે ચીને રેર અર્થની નિકાસ અમેરિકામાં અટકાવી દબાણ લાવ્યું હતું. 

આટલી વિપરીત સ્થિતિ વચ્ચે પણ સબ સલામત હોવાનો અને તેમની નીતિઓ યોગ્ય હોવાનો દાવો ટ્રમ્પ કરી રહ્યા છે. આના કારણે જ બ્રિટન સાથે વેપાર સમજૂતી કરી લીધી છે ચીન સાથે વેપાર સમજૂતી થઈ ગઈ છે અને ભારત સાથે વેપાર સમજૂતી કરવાની તૈયારીમાં હોવાનો દાવો ટ્રમ્પ કરી રહ્યા છે. 

અમેરિકન ગ્રાહકો પર મોંઘવારીનો માર 

ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેન સેક્સે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે કંપનીઓ ટેરિફના કારણે વધેલા ખર્ચનો 60 ટકા હિસ્સો ગ્રાહક પર પસાર કરશે તેમ મનાય છે. એટલાન્ટા ફેડરલ રિઝર્વએ પણ જણાવ્યું હતું કે કંપનીઓને આશા છે કે ટેરિફના લીધે થયેલા ભાવવધારાનો અડધા જેટલો હિસ્સો ગ્રાહકો પર માંગમાં કોઈપણ પ્રકારનો ઘટાડો નોંધાવ્યા વગર પસાર કરી શકીશું. આના પગલે અમેરિકન ગ્રાહકોએ મોંઘવારીનો માર સહન કરવો પડશે તે નિશ્ચિત છે. 

જેપીમોર્ગનચેઝ ઇન્સ્ટિટયુટે જણાવ્યું હતું કે આ ટેરિફના લીધે કેટલાક સ્થાનિક ઉત્પાદકો માલસામગ્રીના સપ્લાયર તરીકે તેમની ભૂમિકાને મજબૂત બનાવી શકે. પરંતુ તેની નોંધ હતી કે કંપનીઓએ સંભવિત પરિણામોને પહોંચી વળવા માટે આયોજન કરવું પડશે. તેમા પણ અત્યંત નીચા માર્જિને કામ કરતાં હોલસેલરો અને રિટેલરોએ ટેરિફના લીધે વધેલા ખર્ચનો નોંધપાત્ર હિસ્સો ગ્રાહક પર પસાર કરવાની ફરજ પડી શકે.

 

Related News

Icon